ક્લાઈમેટ ચેન્જથી વર્ષમાં જગતને 140 અબજ ડૉલરનું નુકસાન : એશિયા પર સૌથી વધુ આફત

– આંતરરાષ્ટ્રીય સંગઠન ‘ક્રિશ્ચિયન એઈડ’નો વર્ષ 2020નો રિપોર્ટ

– રિપોર્ટમાં ટોપ-10 ઘાતક પર્યાવરણીય આફતનો સમાવેશ

પુરથી ભારતને  રૂપિયા 735 અબજનો ફટકો : અમેરિકાની હેરિકેન સિઝન સૌથી વધુ નુકસાનકર્તા

વર્ષ 2020 દરમિયાન પર્યાવરમીય આફતોથી જગતને કેટલું નુકસાન થયું એ અંગેનો કાઉન્ટિંગ ધ કોસ્ટ – અ યર ઓફ ક્લાઈમેટ બ્રેકડાઉન રજૂ થયો છે. એ પ્રમાણે વર્ષ દરમિયાન ભારતમાં આવેલા આક્રમક પુરથી દેશને અંદાજે 10 અબજ ડૉલર (અંદાજે રૂપિયા 735 અબજ) નું નુકસાન થયુ છે.

આ રિપોર્ટમાં વિશ્વની ઘાતક દસ પર્યાવરણીય આફતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે આફતથી ઓછામાં ઓછું 1.5 અબજ ડૉલરનું નુકસાન થયું હોય તેનો આ રિપોર્ટમાં સમાવેશ થયો છે.

લંડન સ્થિત ચેરિટી સંગઠન ક્રિશ્ચિયન એઈડ દ્વારા તૈયાર થયેલા રિપોર્ટ પ્રમાણે ક્લાઈમેટ ચેન્જથી સર્જાયેલી ટોપ-10 આફતથી જગતને આખા વર્ષમાં 140 અબજ ડૉલર કરતા વધારે નુકસાન થયું છે.

આ નુકસાન સમગ્ર વર્ષ દરમિયાન જોવા મળેલી વિવિધ પર્યાવરણીય આફતોના આધારે નહીં, પણ સૌથી મોટી પર્યાવરણીય આફતના આધારે તૈયાર થયું છે. જેમ કે ભારતમાં 10 અબજ ડૉલરનું નુકસાન છે, એ માત્ર પુરને કારણે થયું છે. એ સિવાયની ગણતરી કરીએ તો આંકડો ક્યાંય પહોંચે.

આ દસમાંથી પાંચ આફત તો એકલા એશિયામાં અસાધારણ ચોમાસાને કારણે જોવા મળી હતી. આ વખતે ચોમાસું ખુબ લાંબુ ચાલ્યુ એ સૌ જાણે છે. વરસાદ આવે એ અનિવાર્ય છે, પરંતુ વરસાદ આવ્યા જ કરે તો તેનાથી મોટુ નુકસાન થાય અને ભારતને તો થઈ જ રહ્યુ છે. આ વર્ષની મુખ્ય આફતમાં પુર, દાવાનળ, હેરિકેન.. વગેરેનો સમાવેશ થાય છે.

અમેરિકાના કાંઠે આ વર્ષે 2005 પછી સૌથી વધારે વાવાઝોડા ત્રાટક્યા હતા. તેનાથી અમેરિકાને 40 અબજ ડૉલરનું નુકસાન થયુ છે. દસમાંથી નવ આફત એવી છે, જેનું બિલ 5 અબજ ડૉલર કે તેનાથી વધારે આવ્યુ છે.

આ રિપોર્ટમાં મોટે પાયે નુકસાન કરનારી ક્લાઈમેટ દુર્ઘટનાઓ ધ્યાને લેવાઈ છે. બાકી તો સુદાનમાં આવેલું પુર, રશિયાના સાઈબિરિયામાં હિટવેવ, દક્ષિણ અમેરિકાના જંગલોની આગ, ફિલિપાઈન્સમાં ઉપરાઉપરી ત્રાટકેલા બે વાવાઝોડા અને વિએટનામમાં આવેલું પુર પણ અકલ્પનિય આફતો હતી. પરંતુ તેનાથી આર્થિક નુકસાન ઓછું થયું છે.

ભારતને ભારે નુકસાન

ભારતમાં વિવિધ રાજ્યો વર્ષભર વિવિધ આફતોનો સામનો કર્યો હતો, જેમાંથી કેટલીક અકલ્પનિય હતી. જેમ કે હૈદરાબાદમાં 24 કલાકમાં 30 ઈંચ જેવો અસાધારણ વરસાદ પડયો હતો. તો વળી કેરળમાં એક જ સ્થળે ભુસ્ખલ થવાથી 49ના મોત થયા હતા. પુરથી હજારો નાગરિકો બેઘર થયા હતા. પર્યાવરણ સંરક્ષણની વાતો અને વાસ્તવિકતામાં ઘણો તફાવત છે, માટે આ પ્રકારના નુકસાનો અટકાવવા મુશ્કેલ છે.

નુકસાનકારી ટોપ-10 આફત

વર્ષની સૌથી મોટી આફતની વિગતો અહીં આપી છે. નુકસાનના આંકડા અબજ ડૉલરમાં છે.

ક્રમ આફત વિસ્તાર નુકસાન મૃત્યુ સમયગાળો
1 હેરિકેન અમેરિકા-કેરેબિયન 41 400 મે-નવેમ્બર
2 પુર ચીન 32 278 જૂન-ઑક્ટોબર
3 દાવાનળ અમેરિકા 20 42 જુલાઈ-નવેમ્બર
4 વાવાઝોડુ બંગાળનો અખાત 13 128 મે
5 પુર ભારત 10 2067 જૂન-ઑક્ટોબર
6 તીડ ઈસ્ટ આફ્રિકા 8.5 જાન્યુઆરી-જૂન
7 પુર જાપાન 8.5 82 જુલાઈ
8 વાવાઝોડા યુરોપ 5.9 30 ફેબુ્આરી અને ઑક્ટોબર
9 દાવાનળ ઑસ્ટ્રેલિયા 5 34 જાન્યુઆરી
10 પુર પાકિસ્તાન 1.5 410 જુલાઈ-સપ્ટેમ્બર




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.