ગુજરાત રાજ્યમાં ફરી એકવખત કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે. એવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં ફરી હાડ થિજવતા કોલ્ડ વેવ શરૂ થશે અને જેના કારણે ઠંડીનું જોર ફરી વધશે. સામાન્ય રીતે મકરસંક્રાંતિ પછી ઠંડી ઘટવા લાગે છે. પણ આ વખતે એવું બન્યું નથી.
શિત લહેરને લઈને ખાસ પ્રકારની તકેદારી રાખવા માટે તબીબોએ પણ સૂચન કર્યું છે અને હવામાન ખાતાની પ્રમાણે સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં ઠંડીનું જોર વધારે અનુભવાશે, જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા તેમજ સાબરકાંઠામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવન ફૂંકાવવાને કારણે બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓ તથા વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, બે દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર ઘટ્યું હતું. પછીથી હળવા ઝાપટા થયા બાદ એકાએક બર્ફિલા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તાર એવા જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા તથા કચ્છમાં ઠંડીએ જનજીવન પર માઠી અસર કરી હતી અને હાલમાં પણ દિવસભર લોકો સ્વેટર-શાલ તથા ગરમ ટોપી પહેરેલા જોવા મળે છે. જ્યારે દિવસ કરતા રાત વધારે ઠંડી અનુભવાઈ રહી છે. હળવા ઝાપટાને કારણે ફરી માહોલ એકાએક ઠંડો થઈ ગયો છે અને સાંજ પડતા જાણે કોઈ પહાડી વિસ્તારમાં રહેતા હોય એવો અનુભવ સૌરાષ્ટ્રમાં થઈ રહ્યો છે.
આવનારા પાંચ દિવસ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવવાની પણ હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, જામનગર, સલાયા, બેડી, ઓખા અને પોરબંદરના દરિયા કિનારે 60 કિમી પ્રતિ કલાક કે તેથી વધારે ગતિમાં પવન ફૂંકાઈ શકે છે અને આ વિસ્તારના માછીમારોને કોઈ રીતે દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ બેટ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયાકિનારાના ખેડૂતો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. ઠંડીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળો, કોઈ ભારે અને ટાઈટ કપડાં પહેરવાની જગ્યાએ ઊનના જ એકથી વધારે લેયરના ખુલ્લા કપડાં પહેરવાનું રાખો, ખાસ તો હાથ, ગરદન, માથું અને પગને કવર કરીને રાખો. શરદી ન થાય એનું ખાસ ધ્યાન રાખો. ઉત્તર ગુજરાતમાં શિત લહેરનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.