કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે CM રૂપાણીને ઉપવાસ પર બેસવાની આપી ચીમકી

ગુજરાતમાં સરકારી અધિકારીઓ ધારાસભ્યોનું સાંભળતા ન હોવાના આક્ષેપો ભાજપના ધારાસભ્ય કરી ચૂક્યા છે અને કેટલાક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં વિકાસના કામ નહીં થતા હોવાના આક્ષેપ સાથે પોતાનું રાજીનામું પણ ધરી દીધું છે, ત્યારે હવે પાટણ નગરપાલિકા દ્વારા નિર્મિત હાંસાપુર પમ્પિંગ સ્ટેશન શરૂ કરવાની માગને લઇ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીની કાર્યાલયની બહાર ઉપવાસ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી છે. ધારાસભ્યનો આક્ષેપ છે કે, પમ્પિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થઇ ગયું હોવા છતાં પણ તેને ચાલુ કરવામાં આવતું નથી.

કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, આ પમ્પિંગ સ્ટેશનનું કામ અધૂરું હતું એટલે મેં તાત્કાલિક ચીફ ઓફિસર, એન્જિનિયર અને અમારા કોર્પોરેટરને સાથે રાખીને આ પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક શરૂ કરવાની સુચના આપી છે. જો આ પમ્પિંગ સ્ટેશન શરૂ થશે નહીં તો હું બુધવારથી મુખ્યમંત્રી કાર્યાલયની આગળ ભૂખ હડતાલ પર બેસવાનો છું. 20થી 25 દિવસથી પમ્પિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થઇ ગયું હોવા છતાં પણ શા માટે આ શરૂ કરવામાં આવતું નથી. આ પમ્પિંગ સ્ટેશન શરૂ નહીં થાય તો અમે આ વિસ્તારના લોકોને સાથે રાખીને તેની જે ફી નગરપાલિકામાં ભરવાની થાય છે. તે ફીનો ડીડી કઢાવીને ગુરુવારથી સ્વેચ્છાએ કનેકશન જોડી દેવા માટે લોકોને અપીલ કરીશું.

આ બાબતે પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં આ પમ્પિંગ સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે જમીન સંપાદન મામલે બિલ્ડર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતે મહેસુલમંત્રી કૌશિક પટેલને રજૂઆત કર્યા પછી પ્લેટનો કબજો મળ્યો હતો અને ત્યારબાદ પમ્પિંગ સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ તેની કામ પૂર્ણ થઇ છે ત્યારે તેનું ઉદ્ઘાટન 13 ફેબ્રુઆરીના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવાનું આયોજન હતું પરંતુ સમસ્યા એ છે કે પમ્પિંગ સ્ટેશન સાથે જોડાયેલી 20 જેટલી સોસાયટી અને કેટલા વિસ્તારોમાં ચાર વર્ષ પહેલા જે ગટરની લાઈન નાંખવામાં આવી છે તે ચોકઅપ થઇ ગઈ છે, આ ગટરની સફાઈ કામ પૂર્ણ થયા પછી જ પમ્પિંગ સ્ટેશનને ખુલ્લું મુકવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.