– રવિવારે શ્વાસ લેવામાં તકલીફ થતા કીડની પર અસર થઇ હતી
– કોરોના સંક્રમિત બન્યા બાદ તેઓ અને તેમના પત્ની છેલ્લા 8 દિવસથી એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
કોંગ્રેસના નેતા અને અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખનું એસવીપી હોસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે કોરોનાના કારણે દુઃખદ અવસાન થયું હતું. ગત સપ્તાહે કોરોના પોઝિટિવ આવતા તેઓ અને તેમના પત્નીને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. દરમિયાન તેમની કીડની પર અસર થતા દર બે દિવસે ડાયાલીસીસ કરાવવું પડતું હતું.
બદરૂદ્દીન શેખ અને તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ છેલ્લા ૮ દિવસથી તેઓ એવીપી હોસ્પિટલમાં દાખલ હતા. અને દાખલ થયાના બીજા જ દિવસથી શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે તેમને ડાયાબીટીશ, હાર્ટની તકલીક, સ્થૂળતા વગેરે વ્યાધીઓ પણ હતી. તેમની ઉંમર આશરે ૬૫ વર્ષની હતી. કોરોનાના કારણે તેમનું અવશાન થતા તેમના પરિવારમાં અને તેમના ચાહકોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે અમદાવાદના દાણીલીમડા-બહેરામપુરા સહિતના વિસ્તારોમાં કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિમાં ગરીબો અને જરૂરીયાતમંદોની મદદે તેઓ દોડી ગયા હતા. પરપ્રાંતિય મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરવી અને જરૂરીયાતમંદોને રાહત કીટો પહોંચાડવા માટે તેઓ તેમના મતવિસ્તારમાં લોકોની વચ્ચે રહેતા હતા. તે દરમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગી ગયો હતો. જે ચેપ તેમના થકી તેમની પત્નીને પણ લાગ્યો હતો. તેમની પત્ની હાલમાં એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બદરૂદ્દીન શેખ વર્ષ ૨૦૦૦થી૨૦૦૫ માં મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન હતુ ત્યારે તેઓએ મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. દાણીલીમડા-બહેરામપુરામાં એક સેવાભાવિ કોર્પોરેટર તરીકે તેમની ખૂબ ચાહના હતી. અને છેલ્લા ચાર ટર્મથી તેઓ કોર્પરેટર તરીકે ભારે બહુમતીથી ચૂંટાઇ આવતા હતા.
દાણીલીમડા-બહેરામપુરા વિસ્તારમાં તેઓ એક સ્કૂલ પણ ચલાવી રહ્યા છે અને અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે.
નવગુજરાત કોલેજમાં જીએસ તરીકે રહ્યા બાદ તેમણે લો નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વકિલ બન્યા હતા.અને પછી કોંગ્રેસ સાથે રાજકારણમાં જોડાઇ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.