કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકારનો લીધો બરાબરનો ઉધડો, ટ્રમ્પને સોનાની થાળીમાં જમાડાય છે અને કુપોષિત બાળકો માટે ફક્ત 50 ગ્રામનો લાડું

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શુક્રવારે વિધાનસભાગૃહમાં રાજ્યપાલના સંબોધન વિષયક ચર્ચામાં ભાગ લેતાં, વિદેશી મહાનુભાવોની આગતાસ્વાગતામાં કરોડો રૃપિયા ખર્ચવાની અને બીજી તરફ રાજ્યની પ્રજાના પ્રશ્નો પ્રત્યે મોં ફેરવવાની ભાજપ સરકારની નીતિઓ-પ્રાથમિકતાઓને આડે હાથે લીધી હતી અને જણાવ્યું હતું કે, યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ૩ કલાકની વિઝિટ માટે સો કરોડ રૃપિયા ખર્ચાય અને રાજ્યના બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માત્ર ૫૦ ગ્રામ લાડુ અપાય એ સૌના માટે શરમજનક છે.

ટ્રમ્પ સાહેબ આવે ને તેઓ સોનાની થાળીમાં શું શું જમશે એ વિશે સમાચારો આવે, બીજી બાજુ ગુજરાતનું બાળક કુપોષિત છે અને માત્ર છ માસમાં જ રાજ્યમાં ૨,૪૧,૬૯૮ કુપોષિત બાળકો વધી ગયાના સમાચાર આવે, એના કારણે વિશ્વમાં ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય છે, જે બાબત ખરેખર ચિંતાજનક છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આવકાર્ય છે, આવકારીએ છીએ, ટ્રમ્પ આવે તો રાતોરાત રસ્તા બની જાય, ગરીબો- ગરીબી છુપાવવા રાતોરાત દીવાલ બની જાય, લાઇટો, સફાઇ, રંગરોગાન થાય, ૧૦૦ કરોડ કરતાં વધુ ખર્ચ થાય, બીજી બાજુ રાજ્યમાં ગુજરાતીઓને તકલીફ હોય, રસ્તા, લાઇટ, પાણી, શિક્ષણના પ્રશ્નો હોય, પણ સરકાર જાગતી નથી, સીત્તેર-સીત્તેર દિવસથી એલઆરડી પરીક્ષાર્થીઓ દીકરીઓ પોતાના હક્કો માટે ધરણાં કરતી હોય, માલધારી સમાજ, આશા વર્કર્સ, કોન્ટ્રાક્ટ, આઉટ ર્સોસિંગ કર્મચારીઓ, ટેટ કે ટાટના ઉમેદવારો હોય કે સરકારી કર્મચારી હોય આ બધાં પ્રશ્નો માટે આંદોલન ઉપર ઊતર્યા હોય, પણ સરકારને આમના માટે સમય નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.