MLC ચૂંટણી ગુપ્ત મતદાનથી થાય છે માટે સત્તા પક્ષ અને વિપક્ષ માટે ક્રોસ વોટિંગનું જોખમ વધ્યું
કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી માટે પોતાના બે ઉમેદવારોને મેદાનમાં ઉતાારીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધારી દીધી છે. આ ચૂંટણીમાં શિવસેનાએ ઉદ્ધવ ઠાકરે અને વર્તમાન મહારાષ્ટ્રના વિધાનસભા ઉપાધ્યક્ષ નીલમ ગોરેને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે એનસીપી પણ બે બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.
આ તરફ ભારતીય જનતા પાર્ટીએ વિધાન પરિષદ ચૂંટણી માટે પ્રવીણ દદકે, ગોપીચંદ પડલકર, અજિત ગોપછડે અને રણજીત સિંહ પાટિલને ઉમેદવાર બનાવ્યા છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનું મહાવિકાસ અઘાડી ગઠબંધન હાલ મહારાષ્ટ્રની સત્તા સંભાળી રહ્યું છે. જો ચૂંટણીમાં એનસીપી પણ પોતાના બે ઉમેદવારો ઉતારે તો ચૂંટણી મેદાનમાં 9 વિધાન પરિષદ બેઠકો માટે 10 ઉમેદવારો થશે જેથી ઉદ્ધવ ઠાકરેના કોઈ પણ જાતના વિરોધ વગર ચૂંટાઈ આવવાના અરમાનો પર પાણી ફરી વળશે.
મહારાષ્ટ્રમાં આગામી 21મી મેના રોજ 9 વિધાન પરિષદ બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે મહારાષ્ટ્ર વિધાનસભાના 288 સદસ્યો મત આપવાનું કામ કરશે. ઉદ્ધવ ઠાકરેએ ગત 28મી નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે શિવસેના, એસીપી અને કોંગ્રેસના મહાવિકાસ અઘાડી ગઠબંધનના પ્રમુખ તરીકે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા.
બંધારણ પ્રમાણે વિધાન મંડળની સદસ્ય ન હોય તેવી વ્યક્તિ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે તો તેણે છ મહીનાની અંદર વિધાન મંડળના કોઈ પણ કે સદનની સદસ્યતા લેવી પડે અને એમાં અસફળતા મળે તો મુખ્યમંત્રીની ખુરશી ગુમાવવી પડે.
સત્તા પક્ષ-વિપક્ષ બંનેને ક્રોસ વોટિંગનું જોખમ
એમએલસીની ચૂંટણી ગુપ્ત મતદાનથી થાય છે અને તેમાં ક્રોસ વોટિંગની શક્યતા વધી જાય છે. મહારાષ્ટ્રમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને ક્રોસ વોટિંગનું જોખમ લેવા તૈયાર નથી. આવું ત્યારે જ શક્ય બને જ્યારે કોંગ્રેસ અને એનસીપીમાંથી કોઈ એક પાર્ટી એક બેઠક પર ચૂંટણી લડવા રાજી થાય.
મહારાષ્ટ્રની 288 સદસ્યો ધરાવતી વિધાનસભામાં સત્તાધારી મહાવિકાસ અઘાડીને 170 ધારાસભ્યોનું સમર્થન મળેલું છે જેમાં શિવસેનાના 56 ધારાસભ્યો, એનસીપીના 54 ધારાસભ્યો, કોંગ્રેસના 44 ધારાસભ્યો અને 16 અન્ય ધારાસભ્યો સામેલ છે. જ્યારે બીજેપી પાસે 105 ધારાસભ્યો છે, બે ધારાસભ્ય એઆઈએમઆઈએમ (AIMIM)ના અને એક ધારાસભ્ય મનસેનો છે. તે સિવાય 10 અન્ય ધારાસભ્યો પણ છે.
વિધાન પરિષદની એક બેઠક માટે આશરે 29 મતોની પ્રથમ પસંદગીના આધારે જરૂર પડશે. મહાવિકાસ અઘાડીની પાંચ બેઠક અને ભાજપની ત્રણ બેઠક સંપૂર્ણપણે સુરક્ષિત છે પરંતુ ભાજપની ચોથી અને મહાવિકાસ અઘાડીની છઠ્ઠી બેઠક માટે તોડજોડ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.