ગુજરાત સરકારમાં હેડ કલાર્કની ભરતીનું પેપર લીક થતાં કોંગ્રેસના પ્રવકતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી સરકાર સામે આક્ષેપ કર્યા હતા, કોંગ્રેસે જણાવ્યું હતું કે, આરએસએસના લોકોને પાછલા બારણે ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, સમગ્ર કૌભાંડમાં દેખાડા પૂરતી કલમો લગાડવામાં આવી છે, પેપર લીક થયું તેમ છતાં 72 કલાક સુધી પેપર ન ફૂટયું હોવાનું સરકાર રટણ કરતી રહી હતી.
ભાજપ ભરતીમાં ભ્રષ્ટાચાર મોડેલને લઈને ચાલતી પાર્ટી છે, ભાજપ સરકારમાં વ્યક્તિઓ બદલાયા છે પણ ભ્રષ્ટાચાર યથાવત્ છે. સમગ્ર પ્રકરણમાં અસિત વોરા રાજીનામું આપે અને સાચા ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે માગ કરી છે.
ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કયા મુદ્દે અસિત વોરાને ક્લિનચીટ આપતા હતા તેનો ખુલાસો કરવો જોઈએ, પેપર કઈ રીતે ફૂટયું તેનો ખુલાસો અસિત વોરા અને જિતુ વાઘાણીએ કરવો જોઈએ, સિસ્ટમમાં ખામી ક્યાં છે તે સરકારે શોધવું જોઈએ, પરીક્ષા રદ્ કરીને હવે ક્યારે પરીક્ષા યોજવામાં આવશે તેની જાહેરાત સરકારે કરવી જોઈએ.
ચૂંટણી વર્ષમાં ભાજપ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજે છે. ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના પહેલી વાર બની નથી, ગુજરાતમાં અત્યાર સુધી ૯ જેટલી ભરતી પરીક્ષાના પેપર ફૂટયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.