કોરોનાએ અનેક નવી નીતિઓ માટે રસ્તો ખોલ્યો, ગામડાઓ પર જોર આપવું જરૂરીઃ મુહમ્મદ યુનૂસ

આજે બધા પાસે તકનીક છે તો લોકોને શા માટે શહેરમાં મોકલવામાં આવે છે. સરકારે જ્યાં લોકો હોય ત્યાં જ કામ લાવવું જોઈએઃ યુનૂસ

 

કોરોના વાયરસ સંકટ અને અર્થતંત્રની મુશ્કેલીઓ વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીનો વિશેષ સંવાદનો સિલસિલો ચાલુ છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ  પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બાંગ્લાદેશ ગ્રામીણ બેંકના સંસ્થાપક મુહમ્મદ યુનૂસ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના સંકટના કારણે ગરીબો પર જે મુશ્કેલી આવી પડી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં મુહમ્મદ યુનૂસે આજે ગામના અર્થતંત્રને બેઠું કરવાની જરૂર છે તેમ કહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે લોકોને શહેર નહીં પરંતુ ગામમાં જ નોકરીઓ આપવામાં આવે. કોરોના બાદ એક નવી નીતિ પર કામ જરૂરી છે.

રાહુલ ગાંધીઃ તમે ગરીબોનું અર્થતંત્ર જાણો છો. કોરોના સંકટ કેવા લોકોને નુકસાન પહોંચાડી રહ્યું છે?

મુહમ્મદ યુનૂસઃ હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે કોરોના સંકટે સમાજની કુરીતિઓ જાહેર કરી છે. ગરીબ, પ્રવાસી મજૂર આપણા બધાની વચ્ચે જ છે પરંતુ કોરોના સંકટે આ બધાને સામે લાવી દીધા છે. તેમને ઈન્ફોર્મલ સેક્ટરનો હિસ્સો માનવામાં આવે છે જે અર્થતંત્રનો હિસ્સો નથી. જો આપણે તેમની મદદ કરીએ તો સંપૂર્ણ અર્થતંત્રને આગળ લઈ જઈ શકીશું પરંતુ આપણે એવું નથી કરતા. જો મહિલાઓની વાત કરીએ તો તેમને સમાજમાં નીચેનો દરજ્જો આપવામાં આવ્યો અને અર્થતંત્ર ક્ષેત્રે કોઈ તેમનો ભાવ પણ નથી પુછતું. પરંતુ મહિલાઓએ સમય સમય પર પોતાની જાતને સાબિત કરી છે.

રાહુલ ગાંધીઃ ભારત અને બાંગ્લાદેશ જેવા દેશો માટે આ ભવિષ્ય મુશ્કેલીભર્યું છે. નાના વેપારીઓ જ ભવિષ્ય છે પરંતુ સિસ્ટમ નથી જોઈ રહી.

મુહમ્મદ યુનૂસઃ આપણે લોકો આર્થિક મામલે પશ્ચિમી દેશોની જેમ ચાલીએ છીએ એટલે જ આમના તરફ ધ્યાન નથી અપાઈ રહ્યું. નાના મજૂરો અને વેપારીઓ પાસે ખૂબ જ ટેલેન્ટ છે પરંતુ સરકાર તેમને અર્થતંત્રનો હિસ્સો જ નથી માનતી. પશ્ચિમી દેશોમાં ગામના લોકોને શહેરમાં નોકરી માટે મોકલવામાં આવે છે અને હવે ભારતમાં પણ તેવું જ બની રહ્યું છે. આપણે ગામમાં જ અર્થતંત્ર કેમ બેઠું નથી કરતા? પહેલા શહેરો પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું અને ગામડાઓ પાસે નહીં પરંતુ આજે બધા પાસે તકનીક છે તો લોકોને શા માટે શહેરમાં મોકલવામાં આવે છે. સરકારે જ્યાં લોકો હોય ત્યાં જ કામ લાવવું જોઈએ.

રાહુલ ગાંધીઃ આપણે પશ્ચિમ પાસેથી ઘણું બધું સ્વીકાર્યું પરંતુ ગામને શક્તિશાળી બનાવવું ભારત અને બાંગ્લાદેશનું જ મોડલ છે. મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું કે આપણે આપણા ગ્રામીણ અર્થતંત્રને આગળ વધારવું પડશે.

મુહમ્મદ યુનૂસઃ કોરોના સંકટે આર્થિક મશીન રોકી દીધું છે અને લોકો જલ્દી પહેલા જેવી સ્થિતિ બની જાય તેમ વિચારી રહ્યા છે. પરંતુ શું ઉતાવળ છે? જો આવું થશે તો બહું ખરાબ થશે. આપણે શા માટે એ દુનિયામાં પાછા જવું છે જ્યાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે અને બાકી અનેક પ્રકારની મુશ્કેલીઓ છે. તે ખૂબ હાનિકારક કહેવાશે. કોરોનાએ આપણને કશુંક નવું કરવાની તક આપી છે. તમારે કશું અલગ કરવું પડશે જેથી સમાજ સંપૂર્ણપણે બદલાઈ શકે.

રાહુલ ગાંધીઃ પશ્ચિમની નીતિઓ કરતા એશિયાના મોડલ પર કામ કરીએ તે સારૂં રહેશે. શું કોરોના વાયરસે આપણને તે તક આપી છે?

મુહમ્મદ યુનૂસઃ આ ફક્ત એશિયા નહીં પણ સમગ્ર વિશ્વનો મંત્ર હોવો જોઈએ. જ્યારે અમે ગ્રામીણ બેંક શરૂ કરી તો તે ફક્ત બાંગ્લાદેશની વાત લાગી પરંતુ ધીમે ધીમે તે મોડલ વૈશ્વિક બની ગયું.

રાહુલ ગાંધીઃ મને લાગે છે કે ભારત અને બાંગ્લાદેશની સમસ્યાઓ ઘણી સમાન છે પરંતુ સામાજીક સ્તરે કેટલાક બદલાવ છે. અહીં જાતિના આધારે ભાગલા છે જે પશ્ચિમ કરતા અલગ વાત છે.

મુહમ્મદ યુનૂસઃ આપણા ત્યાં જાતિની સિસ્ટમ છે તો અમેરિકામાં રંગભેદ છે. પરંતુ આજે આપણે માનવતા પર પાછું ફરવું પડશે. કોરોના વાયરસે આ બધું પાછળ છોડી દીધું છે અને હવે નવી સિસ્ટમ રચવાની તક છે.

રાહુલ ગાંધીઃ મુખ્ય વાત એ જ છે કે તમારે તમારા લોકોમાં વિશ્વાસ

મુકવો પડશે અને ત્યાર બાદ તમે આગળ કામ કરી શકશો. ગરીબોમાં વિશ્વાસ દર્શાવવો જરૂરી છે. તમે આગળ વધો, અમે તમારો સાથ આપીશું.

મુહમ્મદ યુનૂસઃ જ્યારે અમે ગ્રામીણ બેંક શરૂ કરી તો લોકો ચોંકી ગયા હતા કે અમે તેમના હાથમાં એટલા રૂપિયા કેમ આપી રહ્યા છીએ. તે ગરીબો માટે 1000-2000 રૂપિયા જ વધારે હતા. હવે દર વર્ષે અબજો ડોલરની લોન આપવામાં આવે છે. હવે નવી સિસ્ટમની શરૂઆત કરવી જરૂરી છે. અમે કોઈ પાસે કાગળ નથી માંગ્યા. બસ જરૂર પ્રમાણે મદદ કરી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.