કોરોના મહામારીએ બદલી નાંખી લોકોની જીવનશૈલી, લોકોમાં જોવા મળી પૉઝિટિવ અસર

કોરોનાના કારણે કરવામાં આવેલા લોકડાઉન અને લોકડાઉન બાદ તેની અસરથી લાઇફસ્ટાઇલ બદલાવાની પ્રક્રિયાને લોકો ભવિષ્યમાં કદાચ જ ભૂલી શકશે. આ મહામારીએ આપણા દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના તમામ દેશોના નાગરિકોના જીવનમાં ઉથલ-પુથલ મચાવી રાખી છે. બધા લોકો પોતાના જ ઘરમાં કેદીઓની જેમ બંધ થઇ ગયા છે. કોરોના વાયરસને કારણે મોટાભાગે નકારાત્મક પરિણામ જોવા-સાંભળવા મળી રહ્યા છે. ઘણા બધા લોકો પોતાનો રોજગાર પણ ખોઇ બેઠી છે તો કેટલાક લોકો શારીરિક તેમજ માનસિક બીમારીના શિકાર બની ગયા છે.

કોરોનામાં મળી શીખ

કોરોના દરમિયાન છેલ્લા કેટલાય મહીનાઓમાં કેટલીક સારી વાતો આપણે શીખી છે, કેટલાક એવા સબક આપણને મળ્યા છે જે આપણે ભૂલી બેઠા હતા. આ સબક ખૂબ જ પૉઝિટિવ છે જે આપણા અને આપણા પરિવાર માટે મહત્ત્વનું સ્થાન રાખે છે. તો જાણો, એવી કઇ મહત્ત્વપૂર્ણ વાત છે જે આપણને કોરોનાએ સમજાવી તેમજ શીખવાડી છે.

મર્યાદિત સંસાધનોમાં રહેવું

કોવિડ-19માં ઘરમાં જ કેટલાક મહિના બંધ રહ્યા દરમિયાન આપણે શીખ્યું કે ઓછામાં ઓછા સાધનોનો ઉપયોગ કરીને પણ કેવી રીતે શાંતિથી જીવન પસાર કરી શકાય છે. આ સાથે જ આપણને સમજાઇ ગયું કે વધારેમાં વધારે સમય ઘરે રહીને પણ આરામથી પોતાનું કામ કરતાં કરતાં સારો સમય પસાર કરી શકાય છે.

સ્વાસ્થ્યનું મહત્ત્વ

જીવન જીવવાની રેસ અને વ્યસ્ત જીવનશૈલીના કારણે આપણે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનતા ગયા. પરંતુ જેવો જ કોરોના નામની બીમારીએ દેશમાં પગપેસારો કર્યો ત્યારે આપણને સમજમાં આવ્યું કે આપણું સ્વસ્થ રહેવું કેટલુ જરૂરી છે. એક કહેવત પણ છે કે સ્વસ્થ તનમાં જ સ્વસ્થ મનનો વાસ હોય છે. તેનો અર્થ છે કે જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો વિશ્વની કોઇ એવી વસ્તુ નથી જે તમને ખુશ રાખી શકશે.

એકબીજાની તકલીફનો અહેસાસ કરવો

આધુનિક સમયમાં ક્યારેક એવું બનતુ હતું કે કોઇ એકબીજાની દુખ-તકલીફને સમજવા માટે તૈયાર નથી. કોઇની પણ પાસે કોઇની તકલીફને સમજવા માટેનો સમય જ નથી. પરંતુ કોરોના કાળના છેલ્લા કેટલાક મહીનાઓથી લોકો એકબીજાની તકલીફને સાંભળવા, સમજવા તેમજ તેની સાથેની લાગણી સમજવા માટે સમય કાઢવા લાગ્યા છે. એકબીજાની તકલીફને સાંભળીને તેમની મદદ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા છે.

વર્ક ફ્રોમ હોમના કલ્ચરને પ્રોત્સાહન મળ્યું

આપણા દેશમાં મોટાભાગે એવું માનવામાં આવતું હતું કે વર્ક ફ્રોમ હૉમ કરવું એક મુશ્કેલ કામ છે. જો કે જ્યારથી કોરોના બીમારી આવી હતી ત્યારે પણ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારબાદથી હજુ પણ મોટાભાગના લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે અને સારું પરફૉર્મન્સ આપી રહ્યા છે. તેનાથી એમ્પલોઇ અને એમ્પલોયર બંનેને જ ફાયદો થઇ રહ્યો છે. એમ્પલોઇ પોતાના ઘર માટે પણ પર્યાપ્ત સમય કાઢી શક્યા છે અને એમ્પલોયરને સારું પરિણામ પણ મળી રહ્યું છે. તેનાથી જાણવા મળ્યું છે કે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર પણ સક્સેસફુલ થઇ શકે છે.

વર્ચ્યુઅલ ક્લાસનું મહત્ત્વ સમજાવ્યું

આજકાલના બાળકો ઓનલાઇન ક્લાસ મારફતે અભ્યાસ કરી રહ્યા છે જેમાં ટીચર અને સ્ટૂડન્ટ્સ બંને પોત-પોતાનું કામ ખૂબ જ ધ્યાનપૂર્વક કરી રહ્યા છે. જે રીતે બાળક રેગ્યુલર શાળાએ જઇને અભ્યાસ કરતા હતા, તેવી જ રીતે ઓનલાઇન વર્ચ્યુઅલ ક્લાસિસમાં પણ અભ્યાસના તમામ નિયમ ફૉલો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે જોવા મળ્યું છે કે ઓનલાઇન અભ્યાસ પણ બાળકો માટે સારો માર્ગ છે. તેનાથી પણ બાળકોને સારું શિક્ષણ આપી શકાય છે.

સફાઇ પર વિશેષ ધ્યાન

હાઇજીન પર લોકો ધ્યાન તો આપતા હતા પરંતુ કોરોના બાદથી પણ સફાઇ પર વિશેષ ધ્યાન આપવા લાગ્યા છે. બહારથી ખરીદવામાં આવતી શાકભાજીઓ, ફળ વગેરેનો સફાઇ કર્યા બાદ જ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. પોતાની સફાઇની સાથે-સાથે પોતાના ઘર, કપડાં વગેરે તમામના હાઇજીન પર ખૂબ જ સારી રીતે ધ્યાન આપી રહ્યા છે. કોરોના વાયરસે આપણને આ સબક શીખવાડ્યો છે.

રસ્તામાં ગંદકી ન ફેલાવવી

આપણે લોકો પોતાના ઘર અને પોતાની સાફ-સફાઇ પર તો ધ્યાન આપતા જ હતા પરંતુ માર્ગ પર ગંદકી ફેલાવી, થૂંકવુ, કચરો જેમ-તેમ નાંખવાની ભૂલ કરી બેસતા હતા. હવે કોરોનાના કારણે આપણે એ વાત સારી રીતે સમજી ચુક્યા છીએ કે માર્ગ પર ગંદકી ફેલાવવી આપણા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. આ મહત્ત્વપૂર્ણ શીખ માટે પણ કોરોના જ જવાબદાર છે.

માનવતા જગાવી દીધી

છેલ્લા કેટલાક સમયમાં માનવતાનું એક એવું સ્વરૂપ પણ જોવા મળ્યું જ્યાં લોકો એકબીજાની મદદ માટે તૈયાર હતા. બેરોજગાર અને નિર્ધન વર્ગની મદદ આ કપરાં સમયમાં સરકાર ઉપરાંત વ્યક્તિગત રીતે પણ ઘણા લોકોએ કરી હતી. તેનાથી જાણવા મળ્યું હતું કે આજે પણ લોકોમાં માનવતા જીવિત છે.

આજુબાજુમાં રહેતા લોકોની પણ કાળજી લેવી

આધુનિક સમયમાં કંઇક એવા કલ્ચરનું નિર્માણ થઇ ચુક્યુ હતું કે આપણે આપણી આસપાસ રહેતાં લોકોને ઓળખવા પણ મુશ્કેલ બની જતા હતા. બધા પોતાનામાં જ મગ્ન રહેવાનું પસંદ કરતા હતા. પરંતુ જ્યારથી કોવિડ-19નું આગમન થયું છે ત્યારથી લોકો આસપાસ રહેતાં લોકોનું દૂરથી તો દૂરથી પણ ધ્યાન રાખવા લાગ્યા છે.

ઓનલાઇન શૉપિંગનો ક્રેઝ વધ્યો

કોરોનાના કારણે વધારેમાં વધારે સમય ઘરે રહીને તેમજ બહાર દુકાને ખરીદી કરવા માટે ન જઇ શકવાની પરિસ્થિતિએ ઓનલાઇન શૉપિંગનો ક્રેઝ વધારી દીધો છે.

પૌષ્ટિક ભોજન અપનાવ્યું

ઘરે રહીને કંઇ પણ નવી વસ્તુ ટ્રાય કરવાની જગ્યાએ લોકો બહારથી ઑર્ડર કરવાનું અથવા બહાર જઇને સ્વાદ માણવાનું પસંદ કરતાં હતા પરંતુ કોરોનાએ આ આદતને ઘણી ખરી બદલી નાંખી છે. હવે જ્યારે બહારનું જમવામાં અને બહાર જઇને જમવામાં બીમારી થવાનું જોખમ રહે છે ત્યારે લોકોએ ઘરે રહીને જ સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક આહાર લેવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે તેઓ બહારનું ભોજન લેવાનું ટાળે.

પરિવાર સાથે સમય પસાર કરવો

જે માતા-પિતા બાળકો માટે સમય નથી નિકાળી શકતા પોતાની ઑફિસ અને ઘરના કામોમાં વ્યસ્ત રહેતા હતા તેમને પણ બાળકો સાથે સમય પસાર કરવાની તક મળી. આ દરમિયાન માતા-પિતાએ પણ જાણ્યું કે બાળકો સાથે સમય પસાર કરવો કેટલો જરૂરી છે અને કેટલો આનંદ મળે છે. તેનાથી પારિવારિક રિલેશન પર ઘણી પૉઝિટિવ અસર પડે છે. પરિવારના સભ્યોએ આ દરમિયાન એકબીજાને સમજતાં શીખ્યા.

સંબંધને જાળવી રાખતાં શીખ્યા

કોરોનાની શરૂઆતના સમયથી જ આપણે આપણા સગા-સંબંધીઓ મિત્રોની મુલાકાત લઇ શક્યા નથી પરંતુ આપણે ફોન વગેરે ટેક્નોલોજી મારફતે તેમની સાથે સતત ટચમાં રહીને એકબીજાના હાલચાલ પૂછવાનું શીખી ગયા છીએ.. સંબંધોને કેવી રીતે પ્રેમથી બાંધી રખાય છે તેના વિશે સમજી શક્યા છીએ. આ સાથે જ સતત પોતાના લોકોના સંપર્કમાં રહેવું તે ખૂબ જ આનંદમય અહેસાસ હોય છે, કોરોના મહામારીએ આ સબકની પણ યાદ અપાવી દીધી છે.

લોકડાઉનથી પ્રદૂષણમાં ઘટાડો થયો

કોરોનાના શરૂઆતના સમયમાં લોકડાઉનથી પ્રદૂષણમાં ખૂબ જ ઘટાડો થયો હતો. કેટલાય રાજ્યોમાં ધ્વનિ, વાયુ પ્રદૂષણમાં ઘટાડો થયો હતો તેનાથી લોકોના સ્વાસ્થ્ય પર સારી અસર જોવા મળી હતી. તેનાથી લોકોને સમજમાં આવી ગયું છે કે વધારેમાં વધારે સમય ઘરમાં જ પસાર કરીને પ્રદૂષણને પણ ઘટાડી શકાય છે, જે બધા માટે યોગ્ય છે.

કોરોના વાયરસના આ કપરાં સમયનો સામનો કરતાં આપણે કેટલીક સારી વાતો પણ શીખી છે, જેને જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. પોતાનું ધ્યાન રાખો, સુરક્ષિત રહો અને કોરોના જેવી મહામારીથી દૂર રહો. અને પોતાની સારી ભાવનાને હંમેશા માટે જીવંત રાખો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.