કોરોના વાયરસથી સંક્રમિત દિલ્હી સરકારના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનને પ્લાઝમા થેરાપી આપવામાં આવી છે. દિલ્હીની મેક્સ હોસ્પિટલ, સાકેત ખાતે તેમની સારવાર ચાલી રહી છે જ્યાં તેમને પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી. તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલીના કારણે સોમવારે મોડી રાતે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને મેડિકલ તપાસમાં તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યાર બાદ તબિયત વધારે ખરાબ થતા શુક્રવારે તેમને મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
સીટી સ્કેન રિપોર્ટમાં સ્વાસ્થ્ય મંત્રીના ફેફસામાં એક પેચ ખૂબ મોટો થઈ ગયો હોવાનું જણાયું હતું જેથી સમસ્યા ખૂબ જ વધી ગઈ હતી. રાજીવ ગાંધી હોસ્પિટલ દ્વારા મંજૂરી આપવામાં ન આવતા પરિવારના આગ્રહને માન્ય રાખીને પ્લાઝમા થેરાપી માટે તેમને મેક્સમાં ખસેડવામાં આવ્યા હતા.
સત્યેન્દ્ર જૈનને શુક્રવારે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી માટે ત્યારથી તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને ફેફસાંમાં સંક્રમણ વધી જવાથી તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.
થોડા દિવસ પહેલા તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યાના કારણે સત્યેન્દ્ર જૈનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો શરૂઆતનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને ત્યાર બાદ તેમની સ્થિતિ સુધરવા લાગી હતી. પરંતુ બે દિવસ પહેલા કરવામાં આવેલા ટેસ્ટમાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને શુક્રવારથી ફરી એકવાર તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી હતી.
ગૃહમંત્રી અમિત શાહે તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી અને ટ્વિટમાં લખ્યું હતું કે, ‘સંક્રમણ સામે ઝઝુમી રહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન શીઘ્ર સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.’ ઉલ્લેખનીય છેકે દિલ્હીમાં કોરોનાનું સંક્રણ ફેલાતું અટકાવવાની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહે પોતાના હાથમાં લીધી છે. દિલ્હીના ઉપ રાજ્યપાલે પણ સ્વાસ્થ્ય મંત્રી જલ્દી સાજા થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.