કોરોનાના કહેર વચ્ચે ચોમાસાને લઈ રાહતના સમાચાર

– સરેરાશ 89 સેમીના 96થી 104 ટકા વરસાદ પડવાની આશા, પહેલી જૂનથી કેરળમાં ચોમાસાની શરૂઆત

નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2020, બુધવાર
કોરોના વાયરસ મહામારી વચ્ચે એક સારા સમાચાર એ છે કે, આ વર્ષે ચોમાસું ખૂબ જ સામન્ય રહેવાની આશા છે. સરકારી પૂર્વાનુમાન પ્રમાણે કૃષિ આધારીત અર્થતંત્ર ધરાવતા ભારતમાં દક્ષિણ પશ્ચિમી ચોમાસું જૂન મહીનાના પહેલા સપ્તાહમાં આવી પહોંચવાની આશા છે અને ત્યાર બાદ સપ્ટેમ્બર મહીનામાં રાજસ્થાનથી તે પરત ફરશે. દેશમાં ચાર મહીનાના ચોમાસા દરમિયાન સરેરાશ 89 સેમી વરસાદ વરસતો હોય છે અને તેના 96થી 104 ટકાના પ્રમાણને સામાન્ય ચોમાસાની શ્રેણીમાં રાખવામાં આવે છે.
ભૂમિ વિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને સરેરાશના 100 ટકા વરસાદ પડશે તેમ જણાવ્યું હતું પરંતુ તેમાં પાંચ ટકાની વધઘટ થઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના સતત ડર અને લોકડાઉન વચ્ચે આ પ્રકારના પૂર્વાનુમાનને સારા સમાચાર માનવામાં આવે છે. દેશમાં મોટા ભાગની ખેતી સિંચાઈ માટે વરસાદ પર આધારીત છે અને ખેડૂતો દર વર્ષે સારા વરસાદની રાહ જોતા હોય છે.
દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું અનાજ, ડાંગર, કઠોળ, તેલીબિયા વગેરે ખરીફ પાક માટે ખૂબ જ જરૂરી છે. આ વર્ષે પહેલી જૂનથી જ કેરળમાં ચોમાસાની શરૂઆત થવાના એંધાણ છે. ભારતમાં ચોમાસાને દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું પણ કહે છે. ગરમીના મહીનાઓ દરમિયાન અરબ સાગરમાં થયેલી ઉથલ-પાથલ ચોમાસાની હવાનું નિર્માણ કરે છે. તેની દિશા દક્ષિણ-પશ્ચિમ તરફની હોય છે અને કેરળના તટો તેના સંપર્કમાં આવે છે. કન્યાકુમારી પહોંચ્યા બાદ તે અંદામાન અને પૂર્વોત્તરના રાજ્યો એમ બે હિસ્સામાં વહેંચાઈ જાય છે .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.