કોરોનાને લઈ સુરતમાં કલમ 144 લાગુ, ચારથી વધુ ભેગા થશે તો કાર્યવાહી

કોરોના વાયરસની અસરને કારણે અત્યાર સુધી સુરત મહાનગર પાલિકા અને કલેક્ટરનું તંત્ર દોડધામ કરી રહ્યું હતું. પરંતુ આજથી હવે કોરોના સામેની લડાઇમાં સુરત પોલીસ પણ જોડાઇ ગઇ છે. સુરત પોલીસ કમિશનરે સુરત શહેરમાં કલમ-144 લાગુ કરી દીધી છે. જેના કારણે હવે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓ એક સ્થળે ભેગી થઇ શકશે નહીં. આ સાથે જ જ્યાં ભીડ થતી હોય તેવા તમામ સ્થળોને પણ બંધ કરી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે બહાર પાડેલું આ જાહેરનામું 29 માર્ચ સુધી અમલમાં રહેશે.સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દેનાર કોરોના વાયરસની સૌથી વધુ અસર દેશમાં ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. જેની સૌથી મોટી અસર ભારતના અર્થતંત્ર ઉપર પડી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બોર્ડર અડીને આવેલી હોય મહારાષ્ટ્રમાંથી સુરત કોરોના વાયરસ વધારે ફેલાઇ તેવી શક્યતાને ધ્યાને રાખીને સાવચેતીના ભાગરૂપે છેલ્લા બે-ત્રણ દિવસથી મલ્ટીપ્લેક્સ સહિતના સ્થળોને બંધ કરી દેવાનો આદેશ રાજ્ય સરકારે આપ્યો છે.દરમિયાન ગુરૂવારે સુરત શહેરના પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે સુરતમાં કલમ-144 લાગુ કરવાની જાહેરાત કરી દીધી હતી.આ કલમ અનુસાર ચાર કે ચારથી વધુ વ્યક્તિઓ એક સ્થળે ભેગી થઇ શકતી નથી. આ કલમ લાગુ પડતા સુરતમાં હવે લોકો ટોળટપ્પા કરતાં જોવા મળશે નહીં. આ ઉપરાંત શુક્રવારથી શહેરના મોટાભાગના વિસ્તારોને બંધ રાખવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. પોલીસે બહાર પાડેલા જાહેરનામાં અનુસાર મોલ, મલ્ટિપ્લેક્સ સિનેમા અને નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસિસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે તેને બંધ રાખવાની સૂચના અપાઇ છે. સુરત શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વિગેરેને પણ બંધ રાખવા તેમજ તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના સ્થળો અને જાહેર ખાનગી સ્થળોએ સરકારની માર્ગદર્શિકા પ્રમાણે સેનિટાઇઝેશન અને હાઇજીનની વ્યવસ્થા રાખવા માટે પણ જણાવાયું છે.

પોલીસ કમિશનર કચેરીમાંથી મળતી માહિતી મુજબ કોરોના વાયરસના કારણે તમામ સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે જ બુધવારથી પોલીસ સ્ટેશનના રોલ-કોલ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ પરેડ પણ બંધ કરી દેવામાં આવ્યાની માહિતી મળી છે. પોલીસ મથકમાં પણ વધારે વ્યક્તિઓને નહીં આવવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

તાલીમાર્થીઓને પોતાના વતન મોકલી સ્થાનિક પોલીસમાં રિપોર્ટ કરવા સૂચના
સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જે પોલીસ કર્મચારીઓ તાલીમ લઇ રહ્યાં હતા તેઓને કોરોના વાયરસના કારણે તેમના વતનમાં મોકલી દેવામાં આવ્યા છે. આ પોલીસ કર્મીઓએ પોતાના વતનમાં જઇને સ્થાનિક પોલીસ મથકમાં હાજર થઇને રિપોર્ટ કરવા માટે કહેવાયું છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.