કોરોના સામે લડવા લોકોની સંપત્તિ જપ્ત કરવાની બુદ્ધિજીવીઓની માગથી હોબાળો

– ડાબેરી અર્થશાસ્ત્રી, બુદ્ધિજીવીઓની ‘મિશન જય હિંદ’ હેઠળ યોજનાડાબેરી અર્થશાસ્ત્રી, બુદ્ધિજીવીઓની ‘મિશન જય હિંદ’ હેઠળ યોજના

– દેશવાસીઓની રોકડ અને મકાન સહિતની મિલકતોને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરી તેમાંથી અડધી આવક રાજ્યોને આપવી જોઈએ: બુદ્ધિજીવીઓ

સંપત્તિ જપ્ત કરવાની દરખાસ્તનો વિરોધ થતાં બુદ્ધિજીવીઓએ સુધારો કરીને નવી સાત સુત્રીય યોજના જાહેર કરી

 

દેશના જાણિતા ડાબેરી અર્થશાસ્ત્રીઓ, બુદ્ધિજીવીઓ અને એક્ટિવિસ્ટોએ કોરોનાના સંકટ સામે લડવા તેમજ આર્થિક, સ્વાસ્થ્ય અને માનવીય સંકટમાંથી બહાર નીકળવા માટે બધા લોકોની સંપત્તિ પર સરકાર દ્વારા કબજો કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે દેશના લોકો પાસે રોકડ, રિયલ એસ્ટેટ, સંપત્તિ, બોન્ડ જેવા સંશાધનોને રાષ્ટ્રીય સંશાધન માનવા જોઈએ. તેમની આ માગનો અર્થ એ છે કે લોકો પાસે ઘર, ઝવેરાત, રોકડ જે પણ છે તેના પર સરકારનો અધિકાર થઈ જાય. તેમની આ માગથી મોટો હોબાળો સર્જાયો હતો અને સોશિયલ મીડિયા પર તેમનો જોરદાર વિરોધ થયો હતો.

આ બુદ્ધિજીવીઓના ‘મિશન જય હિંદ’ હેઠળ સાત સૂત્રી કાર્ય યોજનાનો મુસદ્દો તૈયાર કરવામાં અર્થશાસ્ત્રી પ્રણવ બર્ધન, દીપક નૈયર, જ્યાં દ્રેજ, અભિજિત સેન, જયતી ઘોષ, રાજમોહન ગાંધી, રામચંદ્ર ગુહા, હર્ષ મંદર નિખિલ ડે, એડમિરલ (નિવૃત્ત) રામદાસ જેવા લોકો સામેલ હતા.

આ બુદ્ધિજીવીઓનું કહેવું છે કે દેશના લોકો પાસે વર્તમાન સંશાધનો જેમ કે રોકડ, રિયલ એસ્ટેટ, સંપત્તિ, બોન્ડ વગેરે અને દેશના સંશાધનોને આ સંકટ સમય દરમિયાન રાષ્ટ્રીય સંપત્તિ માનવી જોઈએ. આ ઉદ્દેશ્ય માટે કેન્દ્ર દ્વારા એકત્ર કરાનારી આવકનો અડધો ભાગ રાજ્યોને આપવો જોઈએ. આ મિશનને પ્રાથમિક્તા આપવી જોઈએ અને બીનજરૂરી સરકારી ખર્ચ અને સબસિડી બંધ કરી દેવી જોઈએ. લોકોની સંપત્તિ જપ્ત કરવાની તેમની દરખાસ્તનો સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો હતો. પરિણામે રામચંદ્ર ગુહા, યોગેન્દ્ર યાદવ અને અન્યોએ તેમની સાત સૂત્રીય યોજનામાં ફેરફાર કરીને ફરીથી તે પ્રકાશિત કરી હતી અને તેમાંથી લોકોની સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરવાની દરખાસ્ત હટાવી દીધી હતી. ગુહાએ પણ સ્પષ્ટતા કરવી પડી હતી કે સંપત્તિ જપ્ત કરવાના મુદ્દે તેઓ સંમત નહોતા.

તેમણે કહ્યું કે સરકારે જે આત્મનિર્ભર ભારત પેકેજ જાહેર કર્યું છે તેમાં સામાન્ય લોકોની જરૂરિયાતોની અવગણના કરાઈ છે. કોરોના સંકટ અને લૉકડાઉનના કારણે સામાન્ય લોકોના જીવન અને આજીવિકા પર ગંભીર અસર થઈ છે. તેમણે મિશન જય હિંદ હેઠળ સાત સૂત્રીય યોજનાની દરખાસ્ત કરી છે અને સરકારને તેના પર અમલ કરવાની માગણી કરી છે. તેમણે માગણી કરી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકોના જીવન પાટા પર લાવવા માટે આ કાર્ય યોજના લાગુ કરવી જોઈએ. તેમની માગ છે કે સરકારે પરપ્રાંતીય મજૂરોને ૧૦ દિવસની અંદર તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ અને તેના માટે બસ તથા ટ્રેનનું ભાડું આપવું જોઈએ. ઉપરાંત કોરોનાના દર્દીઓ, ફ્રન્ટલાઈન વર્કરો અને તેમના પરિવારોને યુનિવર્સલ તથા મફત સ્વાસ્થ્ય સુવિધા મળવી જોઈએ. કોરોનાના લક્ષણવાળા બધા દર્દીઓની મફત તપાસ થવી જોઈએ.

રાશનકાર્ડમાં સામેલ દરેક સભ્યને દર મહિને ૧૦ કિલો અનાજ, ૧.૪ કિલો દાળ, ૮૦૦ મિ.લી. ખાદ્ય તેલ, ૫૦૦ ગ્રામ ખાંડ મળવી જોઈએ. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં નોકરીની ગેરેન્ટી વધારવી જોઈએ.

મનરેગા હેઠળ દેશના દરેક પરિવારોને વર્ષમાં ૨૦૦ દિવસના કામની ગેરેન્ટી મળવી જોઈએ. શહેરોમાં દરેક વ્યક્તિને ૧૦૦ દિવસ ગ્રીન જોબની ગેરેન્ટી મળવી જોઈએ અને તેના માટે દૈનિક ૪૦૦ રૂપિયા મજૂરી મળવી જોઈએ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.