ટેકચંદ હૈદરાબાદથી ચાલતો પોતાના ગામ પહોંચેલો, તંત્રે ત્રણ દિવસ બાદ ઘરે એકાંતવાસ પાળવાનું કહી રજા આપી દીધી
મધ્ય પ્રદેશના બાલાઘાટમાં એક પિતાએ ક્વોરેન્ટાઈન પૂરૂ કર્યા વગર ઘરે આવી ગયેલા દીકરાની લાકડી વડે માર મારીને હત્યા કરી દીધી હતી. હૈદરાબાદથી આવેલા દીકરાના કારણે ગામ અને ઘરમાં સંક્રમણ ન ફેલાઈ જાય તે ડરથી ઉશ્કેરાયેલા પિતાએ દીકરાને ઘરમાં પ્રવેશ કરવાની ના પાડી દીધી હતી અને દીકરાએ જિદ કરતા તેની હત્યા કરી દીધી હતી. બાલાઘાટના ગઢી ખાતે ટેકચંદ નામના આ યુવાનની હત્યા દેશમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે. દીકરાની હત્યા બાદ આરોપી પિતાની બુધવારે ધરપકડ કરી લેવામાં આવી હતી.
ટેકચંદ હૈદરાબાદથી ચાલતો પોતાના ગામ આવેલો
મૃતકના ભાઈ રૂપચંદે જણાવ્યું કે, ટેકચંદ ફેબ્રુઆરી મહીનામાં મજૂરી કરવા માટે સિકંદરાબાદ ગયો હતો. લોકડાઉન લાગુ થયા બાદ તે પોતાના સાથી મજૂરો સાથે એક સપ્તાહ પહેલા ત્યાંથી રવાના થયો હતો. પહેલી મેના રોજ તેઓ બૈહર પહોંચ્યા હતા જ્યાં તેમને એક દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ગ્રામ પંચાયત કુગાંવમાં બે દિવસ માટે રાખવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે તમામ લોકોને ઘરે જ એકાંતવાસ પાળવાનું કહીને મોકલી દેવામાં આવ્યા હતા.
ઘરમાં રહેવાની જિદ કરાનારા દીકરાને મોત આપ્યું
ત્રીજી મેના રોજ ટેકચંદ ઘરે પહોંચ્યો ત્યારે પિતા ભીમાલાલે કોરોના સંક્રમણના ડરથી તેને વધુ થોડા દિવસ ગામના ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રહેવા જણાવ્યું હતું. આ મામલે બાપ-દીકરા વચ્ચે વિવાદ થયો હતો અને પિતાએ પશુઓ બાંધવાના ખૂંટીયા વડે દીકરાના માથામાં 3-4 ફટકા મારી દીધા હતા જેથી તે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં બીમારી કરતા તેનો ડર વધુ ભયંકર ત્રાસ ફેલાવી રહ્યો છે અને એક પિતાના હાથે પોતાના દીકરાની હત્યા તેનું ઉદાહરણ છે. એક પિતાએ પોતાના કાળજાના ટુકડા સમાન દીકરાની હત્યા ફક્ત એ ડરથી કરી દીધી કે ક્યાંક તેના કારણે ઘર અને ગામના લોકો સંક્રમિત ન થઈ જાય. ઘટનાની જાણ થતા જ પોલીસે પિતા વિરૂદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડ કરી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.