કોરોના સંક્રમણ મામલે મુંબઇ ભારતનું વુહાન કેમ બની ગયું છે ?

વુહાનમા 50340 કેસ હતા જયારે મુંબઇમાં કોરોના સંક્રમણ 510000ને પાર

આર્થિક રાજધાનીમાં વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યું છે

કોરોના વાયરસની મહામારીએ ભારતમાં દસ્તક દીધી ત્યારથી જ સંક્રમણમાં મુંબઇ સૌથી આગળ રહયું હતું. ભારતમાં કર્ણાટક રાજયમાં અરબ દેશમાંથી આવેલા 65 વર્ષના વૃધ્ધનું કોરોનાથી મોત થયું હતું જે કોરોનાથી મોતનો પ્રથમ કેસ હતો. લોકડાઉનના શરુઆતના સમયગાળામાં કેરલમાં જે રીતે કોરોના સંક્રમણનો આંકડો વધતો જતો હતો તે જોતા કેરલ ભારતનું વુહાન બને તેવા સંજોગો હતા પરંતુ કેરલ કોરોના સંક્રમણ પર

કાબુ મેળવવામાં ઘણી સફળતા મેળવી છે પરંતુ મહારાષ્ટ્રનું પાટનગર અને દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં કોરોના સંક્રમણના કેસ દિવસ રાત સતત વધતા જ રહયા છે આથી હવે તેની સંખ્યા વઘીને 51000ને પાર કરી ગઇ છે જે ચીનના વુહાન શહેર કરતા પણ વધારે છે.

વુહાન દુનિયામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવા માટેનું એપી સેન્ટર ગણાય છે. હવે આ એપી સેન્ટર કરતા પણ મુંબઇ શહેરમાં કોરોના નો કહેર વધારે છે. અત્રે યાદ અપાવવું જરુરી છે કે કોરોના મહામારીનો સામનો કર્યા પછી વુહાન શહેરે કોરોના સંક્રમણ પર કાબુ મેળવી લીધો છે ને હાલમાં એક પણ કેસ નથી, વુહાન આર્થિક પ્રવૃતિઓથી ધમધમી રહયું છે જાણે કે આ શહેરમાં કશું હતું જ નહી એવો માહોલ જોવા મળી રહયો છે બીજા શબ્દોમાં કહીએ તો ચીને સખત પગલા ભરીને વુહાનમાં કોરોના વાયરસને ડામી દીધો છે. વુહાનમાં કુલ 50340 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા પરંતુ મુંબઇમાં આંકડો સતત વધતો જ જાય છે. લોક ડાઉન પછી અનલોકની સ્થિતિમાં કોરોના વાયરસે માઝા મુકી દીધી છે,

ગત સોમવારના રોજ મુંબઇમાં એક દિવસમાં સૌથી વધુ 62 લોકોના મોત થયા હતા.વિશ્વમાં ગીચતાની દ્રષ્ટીએ સૌથી વિશાળ સ્લમ એરિયા ગણાતા ધારાવી સ્લમમાં 3000થી વધુ કોરોના કેસ નોંધાયા છે. 15 લાખની વસ્તી ધરાવતા આ ગીચ વિસ્તારની ઘણી ખરી ભૂગોળ એવી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન માણસ ઇચ્છે તો પણ કરી શકતો નથી. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ સતત વધતું જાય છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની બહાર આવેલી સંખ્યા 82968 છે જયારે રાજયમાં 37390 દર્દીઓ સાજા થયા છે અને મૃતકોની સંખ્યા 3000 આસપાસ છે. મહારાષ્ટ્રમાં પુણે શહેરમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર કરી ગઇ છે. આમ મુંબઇ અને પૂણે મહારાષ્ટ્ર અને દેશના મહત્વના ગણાતા શહેરોને કોરોનાએ ભરડો લીધો છે,

નિષ્ણાતોનું માનવું છે કે મુંબઇમાં કોરોના સંક્રમણનો આંકડો વુહાનને પાર કરી ગયો એના કરતા પણ ચિંતાનો વિષય રોજ રોજ વધતા જતા કોરોના સંક્રમણના કેસો છે.મુંબઇ જેવું આર્થિક મહાનગર લોકડાઉનમાં બંધ હતું ત્યારે પરીસ્થિતિનો તાગ મેળવીને કોરોના વાયરસ સામે લડવા માટે ઘનિષ્ઠ આયોજનની જરુર હતી અને તૈયારીઓ કરવાની થતી હતી. ટેસ્ટીંગ વધારવાની જરુર હતી તેના સ્થાને લોકડાઉન અમલથી કોરોનાનો કહેર આપમેળે ઓછો થઇ જશે એવો આત્મ વિશ્વાસ ભારે પડી રહયો છે. કોરોના સંક્રમણમાંથી સાજા થનારા વ્યકિતઓ માટે કોરોનાને માત આપી એવો શબ્દ પ્રયોજાય છે પરંતુ એખ વ્યકિત નહી સમગ્ર મુંબઇ જયાં સુધી કોરાનાને માત નહી આપે ત્યાં સુધી દેશના અર્થતંત્રની ગાડી પાટા પર ચડતા વાર લાગશે.

પ્રાપ્ત માહિતી મુજબ કોરોના ટેસ્ટિંગ ઓછુ કરવા છતાં પણ વધારે કેસ બહાર આવી રહયા છે જે ચિંતાનો વિષય છે. મહારાષ્ટ્રમાં મુંબઇ પોલીસની માઠી બેઠી હોય એમ કુલ 2562 વિવિધ કેડરના પોલીસ કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યા છે જયારે 34 પોલીસના મોત થયા છે. લોકડાઉનના અમલ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે પોલીસે ખડેપગે ડયૂટી કરતા કોરોના વધુ લાગ્યો હોવાનું માનવામાં આવે છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.