– ઈન્ડોનેશિયા, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, તાઈપેઈ અને અલ્જેરિયાએ ટીમ મોકલવાનો ઈનકાર કર્યો
ટોચના છ દેશોએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ડેનમાર્કમાં યોજાનારી થોમસ અને ઉબેર કપ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં પોતાની ટીમો ન મોકલવાની જાહેરાત કરતાં આખરે બેડમિંટન વર્લ્ડ ફેડરેશન (બીડબલ્યુએફ)ને બંને પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ્સ એક વર્ષ માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી. ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, ચાઈનીઝ તાઈપેઈ અને અલ્જેરિયા બાદ ઈન્ડોનેશિયા અને સાઉથ કોરિયાએ પણ કોરોનાનું જોખમ જોતાં તેમની ટીમોને એલિટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ન મોકલવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જોકે ભારતે તો બંને ટુર્નામેન્ટ માટે ટીમના નામ જાહેર કરી દીધા હતા અને ખેલાડીઓ પણ જવાની તૈયારી કરી રહ્યા હતા.
ડેનમાર્કના આર્હસમાં તારીખ ૩ થી ૧૧ ઓક્ટોબર દરમિયાન યોજાનારી મેન્સ અને વિમેન્સ બેડમિંટનની ટીમ ઈવેન્ટ્સ થોમસ અને ઉબેર કપ ફાઈનલ્સને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી છે. બીડબલ્યુએફના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે ટુર્નામેન્ટના યજમાન ડેનમાર્ક સાથે આયોજન અંગેના કરારથી માંડીને અન્ય મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી હતી અને પરિસ્થિતિને જોતા આ વર્ષની બંને ઈવેન્ટ્સને સ્થગિત કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો.
તેમણે ઊમેર્યું હતુ કે, ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ઘણા બધા દેશો ખસી જતાં અમે આ નિર્ણય લેવા માટે મજબૂર બન્યા હતા. આ ટુર્નામેન્ટની સાથે બીડબલ્યુએફ વર્લ્ડ ટુરના યુરોપીયન લેગને પણ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ જણાવે છે કે, બેડમિંટન વર્લ્ડ ફેડરેશને તેની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ્સને બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા, પણ તેમાં તેમને સફળતા મળી નહતી. શરૃઆતમાં કેટલીક ટીમો ખસી ગઈ ત્યારે વર્લ્ડ ફેડરેશને સિંગાપોર અને હોંગકોંગને વૈકલ્પિક ટીમો તરીકે મેજર ટુર્નામેન્ટમાં જોડવા માટે આમંત્રણ મોકલ્યું હતુ. જોકે આ બંને દેશોએ પણ કોરોના મહામારીની ગંભીરતાને જોતા પોતાના ખેલાડીઓને મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. જે પછી તેઓએ ના છુટકે આ નિર્ણય લીધો હતો.
જાપાનની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર નથી અને ચીનની ટીમને પણ સરકારની મંજૂરીનો ઈંતજાર છે. ટુર્નામેન્ટમાં નામ નિશ્ચિત કરવાની આખરી તારીખ ૧૮મી સપ્ટેમ્બર છે અને મોટાભાગની તમામ ટીમોની અનિશ્ચિતતા જોતાં આ નિર્ણય લેવીામાં આવ્યો હતો. અગાઉ ભારતની ટોચની બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે પણ મહામારી વચ્ચે મેજર ટુરનામેન્ટના આયોજન સામે પ્રશ્નાર્થ સર્જ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.