કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ કાશ્મીરમાં આતંકીઓ સક્રિય છે. શોપિયામાં તો આતંકીઓએ પોલીસકર્મીનું અપહરણ પણ કરી લીધુ હતું, જ્યારે સીઆરપીએફ કેમ્પ પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં ત્રણ સીઆરપીએફ જવાનો ઘાયલ થયા છે. આ હુમલો કુલગામ જિલ્લામાં આવેલા કેમ્પ પર થયો હતો. હુમલાખોર આતંકીઓ બાદમાં નાસી છુટયા હતા જેની શોધખોળ ચાલી રહી છે.
લોકડાઉન જાહેર કરાયું તે બાદ આતંકીઓ પણ વધુ પ્રમાણમાં સક્રિય થતા સૈન્યએ પોતાનું ઓપરેશન વધુ તેજ બનાવી દીધુ છે. આ વર્ષે જ સૈન્યએ કાશ્મીરમાં ૫૦ આતંકીઓને ઠાર માર્યા છે. જેમાં ૧૮ આતંકીઓ લોકડાઉનમાં જ માર્યા ગયા છે. જોકે છેલ્લા ચાર મહિનામાં આતંકીઓએ નવ નાગરિકોની પણ હત્યા કરી છે સાથે જ જવાનો પર અનેક હુમલા પણ આ સમયગાળા દરમિયાન કર્યા હતા.
એક તરફ કોરોનાની મહામારી છે ત્યારે બીજી તરફ સરહદે પાકિસ્તાની સૈન્ય સતત ગોળીબાર કરી રહ્યું છે. રાજોરીમાં પાકિસ્તાની સૈન્યએ શુક્રવારે ભારે તોપમારો કર્યો હતો. નાના હથિયારોથી લઇને મોર્ટાર શેલ પણ છોડયા હતા. પાકિસ્તાનના ગોળીબારનો આ સતત ૧૭મો દિવસ છે. ભારતીય સૈન્યએ પણ સામે આકરો જવાબ આપ્યો હતો અને પાકિસ્તાની આતંકીઓના કેમ્પો અને સૈન્યની પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો.
કાશ્મીરના શોપિયામાં આતંકીઓ ખુલ્લેઆમ સુરક્ષાકર્મીઓ પર હુમલાની સાથે અપહરણની ઘટનાને પણ અંજામ આપી રહ્યા છે. અહીં એક પોલસીકર્મીનું અપહરણ કર્યું હતું જોકે બાદમાં તેને સુરક્ષાકર્મીઓએ છોડાવી લીધો હતો. દરમિયાન આતંકીઓ સામેનું ઓપરેશન પણ જારી છે. કાશ્મીરમાં એક જ દિવસમાં અપહરણ, ગ્રેનેડ હુમલો અને સાથે જ સરહદે ગોળીબારની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જોકે સૈન્યની સતર્કતાને કારણે આતંકીઓ સામેની કાર્યવાહીમા ંસફળતા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.