કોરોનાની રસી મળશે, કોંગ્રેસને પ્રમુખ નહીં મળે : ભાજપે કરેલો ધારદાર કટાક્ષ

કોંગ્રેસ પક્ષમાં હાલ ગાંધી પરિવારની બહારના કોઇ પ્રમુખ હોવાના મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ વિશે કટાક્ષ કરતાં મધ્ય પ્રદેશ ભાજપે એવી ટ્વીટ કરી હતી કે કોરોનાની દવા મળી જશે પરંતુ કોંગ્રેસને યોગ્ય પ્રમુખ કદી નહીં મળે.

આ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે તમે જો જો. એક દિવસ કેન્સરની દવા મળી જશે, કોરોનાની રસી પણ મળી જશે, એટલુંજ નહીં પણ મંગળ પર પાણી પણ મળી જશે અને અન્ય ઉપગ્રહના કોઇ રહેવાસીની મુલાકાત પણ થઇ જશે પરંતુ કોંગ્રેસને કદી યોગ્ય પ્રમુખ નહીં મળે.

અત્રે એ નોંધનીય છે કે ગયા સપ્તાહે કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી પરંતુ એમાં ગાંધી પરિવાર સિવાય કોઇ પક્ષ પ્રમુખપદ લેવા તૈયાર નહોતું. આખરે ફરી ફરીને સોનિયા ગાંધીએ વધુ એક વખત વચગાળાના પ્રમુખની જવાબદારી લેવી પડી હતી. જો કે કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને પક્ષના વરિષ્ઠ નેતા અજય માકન સહિત ઘણાએ રાહુલ ગાંધીને પ્રમુખ બનાવવાની વિનંતી કરી હતી પરંતુ રાહુલે એ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો.

આ બેઠકમાં ઊલટું રાહુલ ગાંધીએ પક્ષના વરિષ્ઠ નેતાઓ પર ભાજપના એજન્ટ હોવાનો આક્ષેપ કર્યો હતો પરિણામે ઘણા સિનિયર નેતાઓ હતાશ થયા હતા. વાતાવરણમાં એક પ્રકારની કડવાશ ફેલાઇ હતી. ભાજપના મધ્ય પ્રદેશ એકમે કોંગ્રેસની ટીકા કરતું કટાક્ષતીર ટ્વીટર પર છોડ્યું હતું.

દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં માતબર ફાળો આપનારા અને એકસો પાંત્રીસ વર્ષ જૂના કોંગ્રેસ પક્ષમાં અત્યારે ગાંધી પરિવાર સિવાય કોઇ મોટા ગજાનો નેતા નથી એ હકીકત છે.  ગયા સોમવારની કારોબારીની બેઠકમાં એવો અભિપ્રાય પણ વ્યક્ત થયો હતો કે ગાંધી પરિવાર સિવાય કોઇ વ્યક્તિ પ્રમુખ બનશે તો પણ એના હાથમાં સોએ સો ટકા જેટલી સત્તા નહીં હોય એટલે એ પક્ષનું સુચારુ રીતે સંચાલન નહીં કરી શકે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.