શું કોરોનારૂપી રાક્ષસથી ચીન ત્રીજું વિશ્વયુદ્ધ કરવાની ફિરાકમાં છે? ચીનની એકમાત્ર મહાસત્તા બનવાની દિશામાં આગેકૂચ

એવું લાગી રહ્યું છે કે, કોરોનાવાયરસના દમ પર ચીને આખી દુનિયા સામે વિશ્વયુદ્ધ છેડી દીધું છે. ચીન આ યુદ્ધને ત્રણ તબક્કાઓમાં પાર પાડવાનો મનસૂબો ધરાવે છે. એનો પ્રથમ તબક્કો છે – દુનિયાની પીઠમાં ખંજર ભોંકવું. બીજા તબક્કામાં આખી દુનિયામાં મોટા પાયે અરાજકતા ફેલાવવી અને ત્રીજા તબક્કામાં દુનિયાનાં લોકોનું દમન અને શોષણ કરવું.

જ્યારે અમેરિકાએ 1945માં જાપાનનાં હિરોશીમા પર અણુબોંબ ફેંક્યો હતો, ત્યારે એનું વજન ફક્ત 0.7 ગ્રામ હતું. આ જ રીતે નાગાસાકી પર ફેંકેલા અણુબોંબનું વજન ફક્ત 1 ગ્રામ હતું. આ ચપટી મીઠું બરોબર છે. પણ અણુબોંબની અંદર અમર્યાદિત ઊર્જા હોય છે, જેમાંથી વિનાશ સિવાય બીજું કશું સર્જાતુ નથી. આ વિનાશલીલા સાથે બીજા વિશ્વયુદ્ધનો અંત આવી ગયો હતો. પણ ત્યારબાદ 75 વર્ષ પછી દુનિયાએ ત્રીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશ કરી લીધો હોય એવું લાગે છે અને આપણે એને સમજી શક્યાં નથી. આ યુદ્ધનાં કેન્દરમાં કોઈ મોટું હથિયાર નથી, મિસાઇલો નથી કે પછી અણુબોંબ પણ નથી. એના કેન્દ્રમાં છે એક વાયરસ. આ વાયરસનું વજન પરમાણુબોંબના વજનથી લાખોકરોડો ગણું ઓછું છે. છતાં આ વાયરસમાં દુનિયામાં વિનાશ વેરવાની અમર્યાદિત શક્તિ છે. આ જ વાયરસનાં દમ પર ચીને આખી દુનિયા સામે ત્રીજું વિશ્વયુદ્ધ છેડી દીધું હોય એવું લાગે છે. કોઈ પણ યુદ્ધ કે વિશ્વયુદ્ધની ઓળખ કેવી રીતે થાય એ સમજો.

એની પહેલી નિશાની છે – ચોતરફ મૃત્યુનું તાંડવ અને માતમ ફેલાઈ જવો.

બીજી નિશાની છે – અર્થતંત્રો તૂટી જવા.

ત્રીજી નિશાની છે – જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ઘટી જવો.

ચોથી નિશાની છે – નવા વિસ્તારો પર કબજો કરવો.

પાંચમી અને છેલ્લી નિશાની છે – નવી સત્તાઓનો ઉદય.

મોતનું તાંડવ

અત્યારે તમારી આસપાસ આ પાંચ નિશાનીઓ જોવા મળે છે. આખી દુનિયામાં અંદાજે 27 લાખ લોકો કોરોનાવાયરસના ભરડામાં આવી ગયા છે. લગભગ 2 લાખ લોકોનું મૃત્યુ થયું છે અને અમેરિકા જેવી દુનિયાની મહાસત્તા ત્રીજા વિશ્વના પછાત દેશની જેમ લડી રહી છે. અમેરિકામાં 8 લાખથી વધારે લોકો કોરોનાવાયરસથી સંક્રમિત છે અને 50,000થી વધારે લોકો મોતનાં મુખમાં ગરકાવ થઈ ગયા છે.

એક વાયરસના દમ પર અમેરિકા ઘુંટણિયે

એક સમયે જે મહાસત્તાનો દુનિયામાં ડંકો વાગતો હતો, જેની ધાક દુનિયામાં પડતી હતી, એ દેશ અત્યારે પોતાના હજારો, લાખો લોકોનું જીવન બચાવવા સક્ષમ નથી. એનો સીધો અર્થ એ છે કે, કોઈ પણ પ્રકારનાં હથિયાર વિના એક વાયરસના દમ પર અમેરિકા ઘુંટણિયે થઈ ગયું છે. વાયરસને કોઈ પણ પ્રકારનાં બંધનો નડતા નથી. કોરોનાવાયરસની સૌથી વધુ અસર ધનિક દેશોને થઈ છે. ફ્રાંસમાં 21,000થી વધારે લોકો, ઇટાલીમાં 25,000થી વધારે લોકો અને બ્રિટનમાં 18,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યાં છે.

અર્થતંત્રો કડડભૂસ

અધૂરામાં પૂરું અમેરિકા સહિત દુનિયાનાં મોટા અર્થતંત્રો પણ કડડભૂસ થઈ રહ્યાં છે. આ વર્ષે દુનિયાની જીડીપી માઇનસ 3 રહેવાની ધારણા છે. 1930ની મહામંદી પછી સૌથી મોટી મંદીનું જોખમ દુનિયા પર તોળાઈ રહ્યું છે. અમેરિકામાં લગભગ 2 કરોડ 60 લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે. આ 1930 પછી અમેરિકામાં બેરોજગારીનો સૌથી ઊંચો દર છે. ફ્રાંસ જેવા દેશમાં તો ખાનગી નોકરી કરતાં 50 ટકા લોકો પાસે અત્યારે રોજગારી જ નથી. એનાથી વિપરીત વલણ ચીનમાં જોવા મળી રહ્યું છે. ચીન આ તકનો લાભ લઈને આખી દુનિયામાં રોકાણ કરી રહ્યું છે અને મોટી-મોટી કંપનીઓને સસ્તી કિંમતે ખરીદી રહ્યું છે. એટલે કે ચીન ઇચ્છે છે કે, ભવિષ્યમાં તમારા પગારની ચુકવણી ચીનમાંથી થાય. આખી દુનિયામાં લોકોને જીવ બચાવવા માટે ઉપકરણો અન દવાઓ પણ ચીન મોકલી રહ્યું છે.

ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત

ચીન અમેરિકા પાસેથી મહાસત્તા તરીકેની ખુરશી છીનવવાની તૈયારી કરી લીધી છે. આ માટે ચીને અમેરિકા સાથે સીધુ યુદ્ધ શરૂ કર્યું નથી. પણ એણે આ કામ આર્થિક, મનોવૈજ્ઞાનિક અને ટેકનોલોજીના આધારે શરૂ કરી દીધું છે. આ માટે ચીન ત્રીજું વિશ્વયુદ્ધ ઓછામાં ઓછા ત્રણ દાયકા સુધી લડવા માંગે છે. ચીને એની તૈયારી 1980થી શરૂ કરી હતી. એનો પ્રથમ તબક્કો હતો – દુનિયાની પીઠમાં ખંજર ભોંકવું. 1980ના દાયકામાં ચીને આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી હતી અને અમેરિકા માટે પોતાનું વિશાળ બજાર ખોલી નાંખ્યું હતું. અમેરિકાને મોટાં બજારની લાલચ હતી, પણ એને ખબર નહોતી કે ચીને એક મોટી રમતની શરૂઆત કરી હતી. ચીને પોતાના અનેક લોકો અને વિદ્યાર્થીઓને અમેરિકામાં મોકલ્યાં અને અમેરિકાની ગુપ્ત ટેકનોલોજી અને સેનાની વ્યૂહરચના સાથે સંબંધિત રહસ્યો ચોરી લીધા.

ઉધાર આપ્યા પછી એની વસૂલાત કરતો નથી

બીજી તરફ ચીને આફ્રિકાનાં દેશોથી લઈને શ્રીલંકા, બાંગ્લાદેશ, ક્યુબા, યુક્રેન, પાકિસ્તાન, ઇક્વાડોર અને તાજિકિસ્તાન જેવા નબળા અર્થતંત્રો ધરાવતા દેશોમાં મોટા પાયે રોકાણ કર્યું. વર્ષ 2018માં આફ્રિકામાં ચીનનું કુલ રોકાણ 22.5 લાખ કરોડ રૂપિયા હતું. તમને ખબર ન હોય તો એક અન્ય વાત જણાવીએ કે ચીન દુનિયાનો એકમાત્ર દેશ છે, જે ઉધાર આપ્યા પછી એની વસૂલાત કરતો નથી. ચીન ઇચ્છે છે કે, બીજો દેશ એના બોજ નીચે વધુને વધુ દબાતો જાય. પછી ચીન આ દેશના અર્થતંત્ર પર કબજો કરી લે છે. પાકિસ્તાન અને શ્રીલંકા આનું સારામાં સારું ઉદાહરણ છે. પાકિસ્તાન અને શ્રીલંકામાં બંદરો પર ચીનનો કબજો છે અને આ બંદર ધરાવતા શહેરોમાં અત્યારે ચીનના નાગરિકોની સંખ્યા વધારે છે એમ કહીએ તો ચાલે.

ત્રીજા વિશ્વયુદ્ધનો બીજો તબક્કો – કોરોનાવાયરસ

અત્યારે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધનાં બીજા તબક્કામાં છે એમ કહી શકાય. આપણે જાણીએ છીએ કે, દુનિયામાં 27 લાખથી વધારે લોકો કોરોનાવાયરસનાં ભરડામાં આવી ગયા છે. આશરે બે લાખ લોકો મરણને શરણ થઈ ગયા છે. ચોતરફ અરાજકતા ફેલાયેલી છે. દુનિયાનાં મોટા ભાગનાં દેશોમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ થંભી ગઈ છે. આનો સૌથી વધુ ફાયદો ચીનને થઈ રહ્યો છે. આખી દુનિયાનાં કુલ ઉત્પાદનમાં 28.4 ટકા હિસ્સો ચીનનો છે. બીજા શબ્દોમાં કહીએ તો, દુનિયામાં દર વર્ષે જેટલી ચીજવસ્તુઓનો ઉત્પાદન થાય છે, એમાંથી 28 ટકાથી વધારે ચીજવસ્તુઓ ચીન બનાવે છે. આ દ્રષ્ટિએ 16.6 ટકા હિસ્સા સાથે અમેરિકા બીજા સ્થાને અને 7.2 ટકા હિસ્સા સાથે જાપાન ત્રીજા સ્થાને છે. અત્યારે દુનિયા ચીનમાંથી ચીજવસ્તુઓની આયાત કરવાનું એકસાથે બંધ કરવાની સ્થિતિમાં જ નથી. જે દેશ આવું કરશે, એ દેશમાં મોટા પાયે એક યા બીજી ચીજવસ્તુના પુરવઠાની ખેંચ ઊભી થશે.

ખતરનાક આગાહી

પ્રસિદ્ધ રાજ્યશાસ્ત્રી ગ્રેહામ એલિસને ખતરનાક આગાહી કરીને દુનિયાને ચિંતિત કરી દીધી છે. એલિસને આગાહી કરી છે કે, વર્ષ 2025માં ચીન પોતાને ટેકનોલોજીની દુનિયામાં મહાસત્તા બનાવી લેશે. વર્ષ 2035 સુધીમાં ઇનોવેશન લીડર બની જશે. પછી વર્ષ 2049 સુધીમાં ચીન દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બની જશે. એ જ વર્ષે ચીનની સામ્યવાદી ક્રાંતિના 100 વર્ષ પૂરાં થશે. આવી જ ચેતવણી ઇતિહાસના જનક ગણાતા થ્યૂસી-ડિડ્સ એમના પુસ્તક History of the Pelopo-nnesian Warમાં કરી છે. તેમણે જણાવ્યું છે કે, જ્યારે એક મહાસત્તા સામે બીજી શક્તિનો ઉદય થાય છે, ત્યારે બંને વચ્ચે યુદ્ધ થાય છે. ચીન વિકસતી મહાસત્તા છે, પણ એ બહુ ધીરજ સાથે દુનિયાના શક્તિશાળી દેશોના અર્થતંત્રને નબળી પાડી રહ્યો છે. આ માટે ચીન પરમાણુબોંબનો ઉપયોગ કર્યો નથી, પણ કદાચ વાયરસનો ઉપયોગ કર્યો છે. દુનિયાને મિસાઇલને બદલે એના પર મનોવૈજ્ઞાનિક હાવ ઊભો કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.