કોરોના સંકટને પહોંચી વળવામાં ગુજરાત સરકાર સંપૂર્ણ નિષ્ફળ : વિપક્ષ

– મોદી-શાહ પોતાના ગૃહ પ્રદેશને કોરોનાથી બચાવી ન શક્યા

– કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની જે ઘાટકણી કાઢી તે આંખો ઉઘાડનારી છે : અહેમદ પટેલ

કોરોના વાઇરસને લઇને કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાત અને અમિત શાહના સંસદીય વિસ્તાર અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સૌથી ખરાબ થઇ ગઇ છે. કોરોના સામે જંગ છેડવાના દાવા કરનારા આ બન્ને નેતાઓના ગૃહ ક્ષેત્રની સ્થિતિ વધુ કફોડી છે. એવામાં દેશ તેમના પર કેવી રીતે વિશ્વાસ કરશે કે કોરોનાથી બચવામાં સરકાર મદદ કરશે. મોદી અને અમિત શાહની જોડી કોરોના જેવી મહામારીથી આ દેશને અને ગુજરાતને બચાવવામાં નિષ્ફળ રહી છે.

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ વધુ ખરાબ હોવા છતા પુરતા પ્રમાણમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓનો અભાવ છે. આઇસીયુ અને પીપીઇની પણ ગંભીર રીતે અછત છે. કોંગ્રેસના અન્ય એક નેતા અહેમદ પટેલે કહ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોના અને ગુજરાતની સ્થિતિ અંગે જે ચિંતા વ્યક્ત કરવામાં આવી તે સરકાર માટે આંખો ઉઘાડવા સમાન છે.

જ્યારે સિંઘવીએ કહ્યું હતું કે માત્ર અમદાવાદમાં જ રાજ્યના અન્ય ભાગો કરતા વધુ કેસો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ અમદાવાદમાં થયેલા કુલ મોતના ૬૨ ટકા છે. એટલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળી રહી હોવાનો દાવો સિંઘવીએ કર્યો હતો. હાઇકોર્ટે કોરોનાનો ટેસ્ટ યોગ્ય રીતે ન થઇ રહ્યો હોવા અંગે પણ ટીપ્પણી કરી હતી. સ્વાસ્થ્ય મંત્રી આ હોસ્પિટલમાં ડોકિયુ કરવા પણ નથી ગયા. ઘણા રાજ્યોમાં પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટની અનુમતી છે પણ આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં આવું નથી અને ખાનગી લેબો દ્વારા ટેસ્ટિંગ ઘટાડી દેવાય છે અને આમ કરીને સરકાર આંકડા છુપાવવા માગે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.