એક તરફ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચેનો તણાવ પણ ખૂબ જ ઉગ્ર થઈ રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તથા પશ્ચિમ બંગાળના પાર્ટી પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને પશ્ચિમ બંગાળના સાંસદ બાબુલ સુપ્રિયો પોત-પોતાના ઘરેથી મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરૂદ્ધ ધરણા પર બેઠા છે.
હાલ કોરોનાનું સંકટ હોવાથી વીડિયો દ્વારા તેમના આ ધરણાને જાહેર કરવામાં આવી રહ્યો છે તથા ભાજપના અનેક નેતાઓ આ પ્રદર્શનમાં સામેલ થઈ રહ્યા છે. ઈંદોરથી વિજયવર્ગીય અને દિલ્હીમાં સુપ્રિયો પોતાના ઘરે ધરણા પર બેઠા છે.
મમતા સરકાર પર અસહયોગનો આરોપ
પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ની આકારણી કરનારી ટીમે શનિવારે પશ્ચિમ બંગાળ સરકાર પર અસહયોગનો આરોપ મુક્યો હતો અને સત્તારૂઢ દળ તેના સદસ્યોની સુરક્ષાની જવાબદારી લેશે તેવો સવાલ કર્યો હતો. તેના જવાબમાં તૃણમૂલ કોંગ્રેસે કેન્દ્રીય ટીમને ભારતની સૌથી અસંવેદનશીલ ટીમ જાહેર કરી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાને લખેલા પત્રમાં બંને ટીમોને વાહનોની વ્યવસ્થા અને અન્ય પ્રાસંગિક જાણકારી પૂરી પાડવામાં અસહયોગના અનેક ઉદાહરણો ટાંકવામાં આવ્યા હતા. સાથે જ સંક્રમણને રોકવા માટે સખત લોકડાઉનના અમલીકરણ માટે સૂચનો આપવામાં આવ્યા હતા. આ બંને ટીમો કોલકાતા અને સિલિગુડીમાં જમીની સ્થિતિનો અહેવાલ મેળવવા ગયેલી છે.
ભાજપે ટીએમસી પર નિશાન સાધ્યું
ભાજપે પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર પર કોરોના વાયરસ સંકટની ગંભીરતા છુપાવવાનો અને આંકડામાં હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની પાર્ટીના સહયોગીઓ નિયમિત રીતે લોકડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાનો દાવો કર્યો હતો.
ભાજપની ટીમ રાજકીય વાઈરસ ફેલાવવા નીકળી
ટીએમસીએ રાજ્યની મુલાકાતે આવેલી બંને આંતર મંત્રાલયી ટીમોને દેશની સૌથી અસંવેદનશીલ ટીમ જાહેર કરી હતી અને તેઓ ખૂબ જ બેશરમીપૂર્વક રાજકીય વાયરસ ફેલાવવા પ્રયત્ન કરી રહ્યા હોવાનો આરોપ મુક્યો હતો. રાજ્યસભામાં ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને ટ્વિટ કરીને બંને ટીમો જ્યાં હોટસ્પોટ ન હોય તેવા જિલ્લાઓની મુલાકાત લઈ રહી હોવાનો આરોપ પણ મુક્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.