9થી 12ના કોર્સમાં 30 ટકાનો ઘટાડો : બોર્ડ પરીક્ષા મે માસમા
કોરોનાને લીધે સ્કૂલો બંધ છે અને ઓનલાઈન હોમ લર્નિંગમાં તમામ વિદ્યાર્થીઓ ભણી શકતા નથી ત્યારે સીબીએસઈ બાદ રાજ્ય સરકારે પણ અંતે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવાની સત્તાવાર જાહેરાત આજે કરી દીધી છે.
ધો.9થી12માં સરકારે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કર્યો છે અને આ સાથે બોર્ડ દ્વારા દરેક ધોરણમાં વિષયવાર નવો સુધારેલો અભ્યાસક્રમ પણ થોડા દિવસમાં વિગતવાર જાહેર કરી દેવાશે.આ ઉપરાંત સરકારે ધો.10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા માર્ચને બદલે મેમાં લેવાની જાહેરાત કરી છે.
જુનથી આમ તો સત્ર શરૂ થઈ ગયુ છે પરંતુ કોરોનાને લીધે સ્કૂલો બંધ છે અને હજુ પણ ક્યારે રેગ્યુલર થશે તે નક્કી નથી.જેથી વિદ્યાર્થીઓનુ ઘણુ ભણવાનું બગડયુ છે.શિક્ષણમંત્રીએ ધો.9થી12માં અભ્યાસક્રમ ઘટાડવા માટે શિક્ષણ વિભાગના ઉપરાંત જીસીઈઆરટી અને ગુજરાત બોર્ડના અધિકારીઓ સાથે અત્યાર ચાર વાર બેઠક કરી હતી.
છેલ્લે સપ્ટેમ્બરના અંતમાં મળેલી બેઠકમાં શિક્ષણવિદો અને વિષય તજજ્ઞાોના પણ સૂચનો લેવાયા હતા. તમામ અભિપ્રાયો અને સૂચનોના અંતે સરકારે આજે મોડે મોડે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવાની સત્તાવાર જાહેરાત કરી છે. ઓનલાઈન શિક્ષણ હાલ ચાલુ છે પરંતુ રાજ્યના તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી શકતા નથી.
દરમિયાન સીબીએસઈ દ્વારા બે મહિના પહેલા જ 30 ટકા અભ્યાસક્રમ ઘટાડાવની જાહેરાત કરી દેવાઈ હતી અને જેના પગલે રાજ્ય સરકાર દ્વારા પણ અભ્યાસક્રમ ઘટાડવાનું નક્કી કરાયુ હતું. ગુજરાત બોર્ડ દ્વારા ધો.9થી12માં ગણિત,વિજ્ઞાાન સહિતના મહત્વના વિષયો એનસીઈઆરટી અભ્યાસક્રમ પ્રમાણે ભણાવાય છે ત્યારે સીબીએસઈની પેટર્ન પર જ 30 ટકા કોર્સ ઘટાડવામા આવ્યો છે.
જો કે કેટલાક વિષયોમાં ખાસ કરીને ધો.10-12માં ગુજરાત બોર્ડના વિષય નિષ્ણાંતોને આગળ સ્પર્ધાત્મક પરીક્ષા, કારકીર્દિ માટે જે ચેપ્ટરો જરૂરી લાગતા હતા તે એનસીઈઆરટી દ્વારા કટ કરવા છતાં પણ રાખવામા આવ્યા છે.
30 ટકા અભ્યાસ ઘટતા હવે વિદ્યાર્થીઓનું ભારણ ઘટશે. જો કે મહત્વનું છે કે સરકારે 30 ટકા કપાયેલા અભ્યાસક્રમમાંથી ભણાવવાની સૂચના બોર્ડને આપી છે પરંતુ કપાયેલા કોર્સમાંથી પરીક્ષામાં પ્રશ્નો નહી પુછાય.જો પરીક્ષામાં પુછાવાનું જ નથી તો પછી ભણાવીને શિક્ષણના દિવસો કોરોનામાં બગાડવાનો પણ શું મતલબ?
બોર્ડ દ્વારા થોડા દિવસમાં દરેક ધોરણનો વિષયવાર સુધારેલો અભ્યાસક્રમ પ્રકરણ મુજબ વેબસાઈટ પર મુકાશે અને તમામ સ્કૂલોને પરિપત્ર કરી સૂચના પણ અપાશે. કોરોનાને પગલે સરકારે 30 ટકા કોર્સ ઘટાડાવની જાહેેરાત કરવા સાથે બોર્ડની પરીક્ષા પણ લગભગ બે મહિના પાછી ઠેલવાની જાહેરાત કરી છે. બોર્ડની મુખ્ય પરીક્ષા માર્ચને બદલે મેમાં લેવાશે અને ધોે.9 અને 11ની પરીક્ષા જુનમાં લેવાશે.
એકેડમિક કેલેન્ડરમાં ફેરફાર થશે : સત્ર મોડુ શરૂ થશે
કોરોનાને પગલે શૈક્ષણિક વર્ષ 2020-21 લગભગ અડધુ બગડયુ છે અને હજુ પણ શિક્ષણના ઘણા દિવસો બગડે તેમ છે ત્યારે તેની અસર હવે આગામી શૈક્ષણિક વર્ષ પર પણ પડશે. 2021-22ના શૈક્ષણિક વર્ષના કેલેન્ડરમાં મોટા ફેરફાર કરાશે. વાર્ષિક પરીક્ષાઓ જુનમાં લેવાની હોવાથી હવે નવુ શૈક્ષણિક વર્ષ જુનમાં નહી શરૂ થાય અને બે મહિના મોડુ શૈક્ષણિક સત્ર શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.