કોરોનાથી ત્રસ્ત અતિ સંવેદનશીલ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ

– દેશમાં કોરોના મુદ્દે હાથ ધરાયેલા સંશોધનમાં તારણ

– કેરળ, હિમાચલ, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિતિ ઓછી સંવેદનશીલ : સંશોધન

– સંવેદનશીલ જિલ્લાઓમાં નબળી સ્વાસ્થ્ય સુવિધા, કથળેલી આર્થિક સ્થિતિ મુખ્ય કારણ તેવો સ્ટડીમાં દાવો

ભારતના વિવિધ રાજ્યોમાં કોરોના વાઇરસની શું સ્થિતિ છે તેને લઇને એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં કેટલાક ચિંતાજનક તારણો બહાર આવ્યા છે. સ્ટડી મુજબ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લામાં કોરોના વાઇરસની સ્થિતિ અતી ચિંતાજનક છે અને આ એવા જિલ્લા છે કે જ્યાં વાઇરસ વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

જે રાજ્યોના જિલ્લાઓને અતી સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ રાજ્યોના જિલ્લાઓમાં કોરોના વાઇરસને કારણે સ્થિતિ અતી સંવેદનશીલ છે. જ્યારે જે રાજ્યોના જિલ્લાઓમાં સ્થિતિ મધ્યમ સંવેદનશીલ છે તેમાં કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુનો સમાવેશ થાય છે. આ સંશોધન સ્વાસ્તી નામની એક સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

જે રાજ્યોમાં બહુ જ ઓછી સંવેદનશીલ સ્થિતિ હોય તેમાં કેરળ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે એટલે આ રાજ્યોમાં કોરોનાની મહામારી અન્ય રાજ્યો કરતા પ્રમાણમાં ઘણી ઓછી માનવામાં આવે છે. એક વૈશ્વિક સંશોધન મુજબ કોરોના વાઇરસના ઇન્ફેક્શનની સંવેદનશીલતાને નક્કી કરવા માટે વિવિધ ફેક્ટરનો સમાવેશ કરવામાં આવતો હોય છે. જેમાં રાજ્યના નાગરિકોની આર્થિક સ્થિતિ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને ખાનપાન તેમજ હેંડ વોશ જેવી સતર્કતાનો સમાવેશ થાય છે.

એક સ્કોર નક્કી કરવામાં આવ્યો હતો જેના આધારે આ સંશોધન હાથ ધરાયું છે, જેમાં ટોપ સ્કોરમાં ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જ્યાં કોરોના વાઇરસની મહામારી વધુ છે અને આ જિલ્લાઓને અતી સંવેદનશીલ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. કેટલાક જિલ્લાઓ તો અતી ખતરનાક પરિસ્થિતિમાં છે અને તેવા જિલ્લાઓ પર વધુ ધ્યાન આપવાની જરુર છે. આવા જિલ્લાઓમાં સ્વાસ્થ્યની સુવિધા નબળી હોય છે, આર્થિક સ્થિતિ પણ ખરાબ હોય છે તેમજ શિક્ષણનું પ્રમાણ અન્ય ઓછા સંવેદનશીલ જિલ્લાઓ કરતા ઓછુ હોય છે તેમ આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.