કોરોના વિરૂદ્ધની લડતમાં પ્લાઝમા બેન્ક મુદ્દે દિલ્હી સરકારે કર્યુ આ મોટુ એલાન

દેશમાં કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યા છે. આ વચ્ચે દિલ્હી સરકારે મોટુ એલાન કર્યુ છે. દિલ્હી સરકાર દેશમાં પ્રથમ પ્લાઝમા બેન્ક બનાવશે. બ્લડ બેન્કની જેમ આ પ્લાઝમા બેન્ક બનશે.

દિલ્હી સરકાર પ્લાઝમા થેરાપી પર ફોકસ કરી રહી છે. આ બેન્ક 2 દિવસમાં શરૂ થઈ જશે. પ્લાઝમા દાન કરનારા માટે હૉટલાઈન નંબર જાહેર કરાશે અને તેની માટે ટ્રાન્સપોર્ટની પણ સુવિધા હશે.

પ્લાઝમાને લઈને શરૂથી અફરા-તફરીનો માહોલ છે. દિલ્હીમાં સૌથી પહેલા પ્લાઝમા થેરાપીની ટ્રાયલ થઈ હતી, જેના પરિણામ સારા રહ્યા હતા.

દિલ્હીની પ્લાઝમા બેન્ક ILBS હોસ્પિટલમાં બનાવવામાં આવશે. બે દિવસમાં આ શરૂ પણ થઈ જશે. સરકારી અને પ્રાઈવેટ તમામ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે આ બેન્ક હશે. ત્યાં લોકોને પણ એ અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે તેઓ વધારેથી વધારે પ્લાઝમા દાન કરે અને અન્યના જીવ બચાવે.

એલએનજેપીમાં છેલ્લા કેટલાક દિવસોમાં 35 દર્દીઓને પ્લાઝમા આપવા આવ્યા, જેમાં 34ના જીવ બચી ગયા. પ્લાઝમા દાન કરનારની આવવા-જવાની સગવડ દિલ્હી સરકાર કરશે. એક નંબર જાહેર કરવામાં આવશે. જેના પર ફોન કરીને પ્લાઝમા ડોનેટ કરવા વિશે જાણકારી આપવાની રહેશે. સરકાર તરફથી પણ સાજા થયેલા દર્દીઓના સંપર્ક કરવામાં આવશે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્લાઝમા થેરાપી અંગે જણાવતા કહ્યું કે, જે લોકોની સ્થિતિ વધારે ખરાબ છે, તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે અને ઓર્ગન કામ કરવાનું બંધ કરી દે તો પ્લાઝમા થેરાપીની અસર કદાચ ન થાય પરંતુ જે લોકોની સ્થિતિ થોડી સારી છે તેમના પર પ્લાઝમા થેરાપીનો પ્રયોગ કરી શકાય છે.

કોરોના સંક્રમિત વ્યક્તિઓને પ્લાઝમા થેરાપીથી ઠીક કરવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે દિલ્હીના મેક્સ હૉસ્પિટલમાં 4 એપ્રિલથી સારવાર લઇ રહેલા 49 વર્ષીય દર્દી પ્લાઝમા થેરાપી બાદ સ્વસ્થ થઇ ગયા હતા અને તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. પ્લાઝમા થેરાપીથી સારવાર લઇને ઠીક થનાર આ દેશનો પ્રથમ દર્દી છે.

પ્લાઝમા થેરાપીને એન્ટી બોડી થેરાપી પણ કહેવાય છે. કોરોનાની બીમારીમાંથી સાજા થયેલા દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલા દર્દીના શરીરમાથી નીકાળીને બીમાર દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.