કંપનીએ STI-1499 નામની એન્ટીબોડી વિકસાવી છે, જે શરીરને કોરોનાને ફેલાતો અટકાવે છે
જો કે આ એન્ટીબોડીનો પ્રયોગ માત્ર લેબમાં થયો છે, સીધી માણસ પર ટ્રાયલ થઇ નથી
દુનિયાભરના વિજ્ઞાનીઓ અને ડોક્ટરો અત્યારે કોરોના વાયરસની સારવાર અને દવા શોધવામાં લાગ્યા છે. દુનિયાભરના લોકો પણ આ મહામારીથી છુટવા માટે દવાની રાહ જોઇ રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકાની અકે કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની 100 ટકા સફળ સારવાર શોધી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી બાયોટેક કંપની Sorrento Therapeuticsએ જણાવ્યું છે કે તેમણે STI-1499 નામની એન્ટીબોડી વિકસાવી છે, જે કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવે છે. કંપનીએ કહ્યું કે પેટ્રી ડિશ એક્સપેરિમન્ટમાં સાબિત થયું છે કે STI-1499 એન્ટીબોડી માનવ શરીરના કોષોમાં કોરોનાને ફેલાતો 100 ટકા અટકાવે છે.
સોરેન્ટો કંપની ન્યુયોર્કના માઉન્ટ સિનઇ સ્કૂલ ઓફ મેડિસિન સાથે મળીને એન્ટીબોડી વિકસાવવાનું કામ કરી રહી છે. તેમની યોજના છે કે ઘણા પ્રકારના એન્ટીબોડી બનાવીને તેમને ભેગા કરીને કોરોના માટેની દવા અને સારવાર તૈયાર કરવામાં આવે. સોરેન્ટો કંપનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેઓ એક મહિનાની અંદર આ એન્ટીબોડીના બે લાખ જેટલા ડોઝ તૈયાર કરવા માટે સક્ષમ છે. વર્તમાન સમયે તો કંપનીએ અમેરિકાના ફૂડ અન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે STI-1499 એન્ટીબોડીના ઉપયોગની મંજૂરી માંગી છે.
સોરેન્ટો કંપનીએ કોરોનાની સારવાર શોધી લીધી તેવા સમાચાર સામે આવ્યા બાદ, તેના શેરની કિંમતમાં 220 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીના સીઇઓએ કહ્યું કે અમારી પાસે કોરોનાની સારવાર છે, જે 100 ટાક કારગત પણ છે. જો શરીરમાં પહેલાથી જ આ પ્રકારના એન્ટીબોડી હશે તો સોશિયલ ડિસ્ટન્સિંગની જરુર નહીં પડે. કોઇ પણ ડર વગર લોકડાઉન પણ હટાવી શકાશે. જો કે એક વાત એ પણ છે કે આ એન્ટીબોડીનો પ્રયોગ લેબની અંદર માનવ કોષ પર કરવામાં આવ્યો છે. તેનું સીધું કોઇ માણસ પર પરિક્ષણ કરાયું નથી. ઉપરાંત આ એન્ટીબોડીની સાઇડ ઇફેક્ટ વિશે પણ ખબર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.