વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસે વાયરસ કરતા વધુ ઝડપથી અને સરળતાથી ફેક ન્યૂઝ પ્રસરી રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને વાયરસ જેટલા જ જોખમી પણ ગણાવ્યા હતા. હાલમાં ટાટા જૂથના પૂર્વ ચેરમેન રતન ટાટાના નામથી એક પોસ્ટ વ્હોટ્સએપ સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેને લઈ રતન ટાટાએ સ્પષ્ટતા કરવી પડી છે. ‘વેરી મોટિવેશનલ એટ ધીસ અવર’ ટાઈટલ સાથે વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં મહામારી બાદ પડનારા પ્રભાવો અંગે નિષ્ણાંતોને ખોટા ઠેરવતી વાતો લખવામાં આવી છે.
આ કારણે રતન ટાટાએ ટ્વિટરના માધ્યમથી “આ વાતો મેં કહી નથી અને લખી પણ નથી. હું તમને લોકોને વિનંતી કરૂં છું કે, વ્હોટ્સએપ અને અન્ય મીડિયા પ્લેટફોર્મ પર સર્ક્યુલેટ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા ચકાસો. જો મારે કશું કહેવું હોય તો હું મારી ઓફિશિયલ ચેનલના માધ્યમથી કહું છું. આશા રાખું છું કે તમે લોકો સુરક્ષિત હશો અને તમારૂં ધ્યાન રાખતા હશો.” તેવી સ્પષ્ટતા કરવી પડી હતી.
હકીકતે રતન ટાટાના નામથી વાયરલ થઈ રહેલી પોસ્ટમાં ‘નિષ્ણાંતો કોરોનાના કારણે અર્થતંત્ર ખૂબ નીચું જશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે. મને આ નિષ્ણાંતો અંગે વધુ ખબર નથી પરંતુ હું નિશ્ચિતપણે માનું છું કે તેઓ માનવ પ્રેરણા અને નિર્ધારિત પ્રયત્નો અંગે કશું નથી જાણતા. જો નિષ્ણાંતોનો વિશ્વાસ કરીએ તો તેમણે બીજા વિશ્વ યુદ્ધમાં સંપૂર્ણ વિનાશ બાદ જાપાનનું ભવિષ્ય ન બચ્યું હોવાની આગાહી કરી હતી. પરંતુ જાપાને ફક્ત ત્રણ દશકામાં બજારમાં આપણને પછાડ્યા. નિષ્ણાંતો પર વિશ્વાસ કરીએ તો અરબ વિશ્વના નકશા પરથી ઈઝરાયલને ગાયબ કરી દેવાનું હતું પરંતુ તથ્ય અલગ છે.
નિષ્ણાંતો પર વિશ્વાસ રાખ્યો હોત તો ભારત 83ના ક્રિકેટ વિશ્વ કપમાં ક્યાંય ન હોત, બ્રેસિજ વગર ચાલી પણ ન શકે તેવી અમેરિકી મહિલા એથ્લિટ વિલ્મા રૂડોલ્ફ ચાર ઓલંપિક સુવર્ણ ચંદ્રકો ના જીતી શકેત’ વગેરે ઉલ્લેખ કરીને કોરોના મહામારી બાદ ભારતીય અર્થતંત્ર મજબૂતાઈથી ઉંચુ આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવેલો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.