કોરોના વાઇરસનાં નામે બમણી કિંમતે માસ્ક વેચવાનો ધીકતો ધંધો, 75 રૂ. ના માસ્કના 900 લઈ થતી નફાખોરી

કોરોના વાઇરસનાં પેનિકને પગલે અમદાવાદમાં માસ્કની ડીમાન્ડ આસમાને પહોંચી છે. ડીમાન્ડની સાથે સાથે માસ્કનાં ભાવ આસમાન આંબી રહ્યા છે. માસ્કનાં ભાવ પર સરકારનું નિયંત્રણ ન હોવાથી અમદાવાદનાં મેડિકલ સ્ટોર્સ મનફાવે તેમ ભાવ લઇ રહ્યાં છે. એન-95 માસ્ક અત્યારે સૌથી વધુ ડીમાન્ડમાં છે. જેનો બજારભાવ 800 થી 900 રૂ. બોલાઇ રહ્યો છે. તો સામાન્ય ત્રણ લેયર માસ્ક 40 રૂ. સુધી વેચાઈ રહ્યા છે. આ માસ્કની હોલસેલ કિંમત તો રૂ. 3 જ હોય છે. જો કે માસ્કની તંગી અને ઓછા સપ્લાયનાં નામે અત્યારે ગ્રાહકોને બેફાઇ લૂંટાઇ રહ્યા છે. એટલું જ નહીં, એન-95નાં નામે બીજા પણ કેટલાય માસ્ક ગ્રાહકોને અપાઇ રહ્યા છે. જેનો ભાવ રૂ. 200થી 300 બોલાઇ રહ્યો છે.વસ્ત્રાપુર, નહેરુનગર, સ્ટેડિયમ, વીએસ હોસ્પિટલ, મીઠાખળી, મણિનગર, સિવિલ હોસ્પિટલ, સરદારનગર, શાહિબાગ, આસ્ટોડિયા જેવા વિસ્તારોમાં 15થી વધુ મેડિકલ સ્ટોરની મુલાકાત લઇને માસ્કની લૂંટ, સપ્લાય અને ડીમાન્ડ પર સ્થિતિ જાણી. જે જાણ્યા પછી સવાલ થયો કે શું માસ્કનાં ભાવ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી ?

એવું નથી કે બધા જ મેડિકલ સ્ટોર્સ માસ્કનો ધંધો કરે છે અને નફો રળી રહ્યા છે. કેટલાય મેડિકલ સ્ટોર્સે માસ્કનો ધંધો જ બંધ કરી દીધો છે. એક મેડિકલ સ્ટોર ઓનરે કહ્યું હતું કે હું લૂંટાતો નથી અને લૂંટતો પણ નથી. આ સમજાવતાં એણે કહ્યું હતું કે હાલમાં અમને ઉપરથી મોંઘો માલ મળી રહ્યો છે. મારે ગ્રાહકને તે વેચવો હોય તો ઊંચા ભાવે વેચવો પડે. જેથી તેમની સાથેનાં સબંધ બગડે. માટે મેં માસ્કનો ધંધો જ બંધ કરી દીધો છે.શહેરમાં 15 થી વધુ વિસ્તારમાં વિવિધ મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝરના ભાવ ચકાસ્યાં હતાં. મોટાભાગના સ્ટોર દ્વારા ત્રણથી ચાર ગણી કિંમતે માસ્ક વેચવામાં આવી રહ્યાં હતા. એ સાથે જ N-95ના નામે ભળતા કોડના માસ્ક પણ પધરાવી દેવાય છે. જો કે કેટલાક મેડિકલ સ્ટોરે નફાખોરી કરવાના બદલે માસ્કનું વેચાણ બંધ કર્યું હોવાના દાખલા પણ નોંધાયા છે. ભાસ્કર પાસે આ તમામ સ્ટિંગ ઑપરેશનના વીડિયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.