કોરોનાથી વિશ્વભરમાં 2 લાખ મોત, ચોથા ભાગનાં મૃત્યુ એકલા અમેરિકામાં

કોરોનાથી વિશ્વભરમાં મોતનો આંકડો ૨ લાખે પહોંચ્યો છે. એમાં વળી ચોથા ભાગના મોત તો એકલા અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં ૫૨ હજારથી મોત થયા છે.  વિશ્વભરમાં કોરોનાના કેસ ૨૮.૬૪ લાખથી વધારે નોંધાયા છે. એકલા અમેરિકામાં સવા નવ લાખથી વધારે કેસ નોંધાયા છે. અમેરિકામાં જોકે ૧.૧૦ લાખ દરદી સાજા પણ થયા છે.

ટ્રમ્પે કાલેે એવી સલાહ આપી હતી કે કોરોનાથી બચવા શરીરમાં જંતુનાશકના ઈન્જેક્શન આપવાનો વિચાર છે. એ સલાહની દુનિયાભરમાંથી ટીકા થઈ હતી. કેમ કે જંતુનાશક પ્રવાહી શરીરમાં દાખલ કરી શકાય જ નહીં. એટલે પછી ટ્રમ્પે આજે કહ્યું હતું કે એ વાત તો મેં મજાકમાં કહી હતી. હવે કદાચ આગામી દિવસોમાં પ્રેસ બ્રિફિંગમાં ટ્રમ્પની હાજરી ન જોવા મળે એવી પણ શક્યતા છે. વ્હાઈટ હાઉસ આ મુદ્દે વિચારણા કરી રહ્યું છે. કેમ કે કોરોના મુદ્દે ટ્રમ્પ અડધો ડઝન કરતાં વધુ વખત બોલીને બાફી ચૂક્યા છે.

યુરોપ અને અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રવાભિત છે. એક લાખથી વધારે કેસ હોય એવા દેશમાં આજે યુરોપના તુર્કીનો પણ સમાવેશ થયો હતો. ત્યાં હવે ૧.૦૪ લાખ કેસ નોંધાયા છે. તુર્કીમાં મોતની સંખ્યા જોકે ૨૬૦૦ જેટલી મર્યાદિત છે. યુરોપના અન્ય દેશોમાં પણ હજુ સ્થિતિ ગંભીર છે.

સ્પેનમાં ૨.૨૩ લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ઈટાલી, ફ્રાન્સ, જર્મની અને યુ.કે.માં કેસની સંખ્યા દોઢ લાખ કે તેનાથી વધારે છે. સમગ્ર યુરોપ ખંડમાં સાડા બાર લાખ કેસ નોંધાયા છે અને ૧.૧૯ લાખ મોત નોંધાયા છે.

ઉત્તર અમેરિકા ખંડમાં પણ કેસની સંખ્યા ૧૦ લાખને પાર થઈ છે. એમાં એકલા અમેરિકામાં જ સવા નવ લાખથી વધારે કેસ છે. બીજા ક્રમે કેનેડા છે જ્યાં ૪૪ હજાર જેટલા કેસ નોંધાયા છે. એ પછી મેક્સિકોમાં ૧૩ હજાર અને ડોમિનિક રિપબ્લિકમાં પોણા છ હજાર કેસ નોંધાયા છે.

ઉત્તર અમેરિકા ખંડનો કુલ મૃત્યુઆંક ૫૬ હજારથી થોડો વધારે છે. ઈટાલીમાં મે મહિનાના પહેલા અઠવાડિયાથી લૉકડાઉનમાં રાહત આપવાની શરૂઆત થશે. એ વખતે સરકાર લોકોને વિનામૂલ્યે માસ્ક આપશે. જેથી સલામતી જાળવી શકાય.

જોકે અમેરિકા ચેપના ફેલાવાથી મુક્ત થઈ રહ્યું હોય એવુ સંશોધકો માને છે. એટલે કે જેટલો ચેપ ફેલાવો હતો એટલો ફેલાઈ ગયો, હવે ધીમો પડવાનો સયમ શરૂ થઈ ગયો છે. પરિણામે અમેરિકામાં લૉકડાઉન હળવું કરવાની તથા ઉદ્યોગ-ધંધા ફરીથી ધમધમતા કરવાની હિલચાલ તેજ બની છે.

અમેરિકાના જ્યોર્જિયા, ઓકલાહામા અને અલાસ્કા રાજ્યોએ તો લૉકડાઉનમાં છૂટછાટ આપી પણ દીધી છે. અમેરિકામાં સૌથી વધુ કેસ જ્યાં છે એ ન્યુયોર્ક રાજ્યમાં આ અઠવાડિયના સૌથી ઓછા ૪૨૨ મોત ગુરુવારે નોંધાયા હતા.

પોતાની ટીકા કરતો યુરોપે તૈયાર કરેલો રિપોર્ટ ચીને સુધરાવ્યો

કોરોના અંગે યુરોપે રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટનો સાર એવો હતો કે કોરોના અંગે માહિતી આપવામાં ચીને ડાંડાઈ કરી છે. એટલું જ નહીં જે માહિતી આપી એ પણ સાચી ન હતી. એટલે ચીને કોરોના વિશે જગતને અંધારામાં રાખવા પ્રયાસ કર્યો હતો. યુરોપિયન સંઘે આવો રિપોર્ટ તૈયાર કર્યો હતો. જોકે એ રિપોર્ટ જાહેર થાય એ પહેલા જ ચીને યુરોપિયન સંઘ પર દબાણ ઉભું કર્યું હતું. પરિણામે સંઘે રિપોર્ટમાં સુધારો કરી ચીનની ટીકા ઘટાડી દીધી હતી. અગાઉ યુરોપના ઘણા દેશો ચીનની ગરબડ સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા હતા. એ નારાજગી રિપોર્ટમાં આવતા ચીને રાતોરાત ડિપ્લોમેટ્સને કામે લગાડી રિપોર્ટને ઢીલો પાડી દીધો હતો.

ચીનની સુધરતી સ્થિતિ

ચીને રસીનું ક્લિનિકલ ટ્રાયલ એટલે કે મનુષ્ય પર પરીક્ષણ શરૂ કરી દીધું છે. ચીને અગાઉ બે રસીનું ક્લિનિકલ ટ્રાયલ કરી લીધા પછી ત્રીજી રસીને પણ ટ્રાયલ માટે મંજૂરી આપી હતી.  ચીનમાં છેલ્લા દસ દિવસમાં કોઈ મોત નોંધાયુ નથી, જ્યારે કેસ માત્ર ૧૨ નોંધાયા છે. એ બારમાંથી વળી અગિયાર તો પરદેશથી આવેલા ચીની નાગરિકો છે. ચીનમાં કુલ કેસ ૮૩ હજાર જેટલા છે, પણ તેમાંથી અત્યારે ૮૩૮ દરદી જ ગંભીર છે, જેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. બાકી કેટલાક આઈસોલેશનમાં છે અને અન્યની ઘરે જ સારવાર ચાલે છે. જ્યાંથી વાઈરસ ફેલાયો હતો એ હુબેઈ પ્રાંતને તો ચીેન લગભગ પુરેપુરો ખોલી નાખ્યો છે.

દક્ષિણ અમેરિકા ખંડની મુશ્કેલી વધશે?

દક્ષિણ અમેરિકા ખંડના અગ્રણી દેશ બ્રાઝિલની આરોગ્ય સેવા ખાસ વખાણવા લાયક નથી. અહીં આગામી દિવસોમાં કેસની સંખ્યા વધશે તો દરદીઓને સાચવવા સરકાર માટે ભારે પડી જશે એવી ચેતવણી નિષ્ણાતો આપી રહ્યા છે. અત્યારે બ્રાઝિલમાં ૫૪ હજારથી વધારે કેસ છે અને પોણા ચાર હજાર જેટલા મોત નોંધાયા છે. દક્ષિણ અમેરિકા ખંડના ઈક્વેડોર, વેનેઝુએલા વગેરે દેશો તો આર્થિક કટોકટીનો પણ સામનો કરી રહ્યા છે. એ બધા દેશોમાં અત્યારે જ મોટી વસ્તી એવી છે, જે ગરીબી રેખા નીચે જીવે છે. એમના માટે કોરોનાની સારવાર કરાવવી શક્ય નથી, જ્યારે સરકાર કેટલી મદદ કરી શકશે એ હજુ નક્કી નથી. બ્રાઝિલ પછી સૌથી વધુ ૨૨ હજાર કેસ ઈક્વેડોરમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.