ચીનમાંથી શરુ થયેલા અને ત્યારબાદ ઝડપથી આખી દુનિયામાં ફેલાઈ ગયેલા કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 50 લાખને પાર પહોંચી ગઈ છે.વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રસરી ચૂકેલા આ વાયરસનો ચેપ લાગવાથી અત્યારસુધી 3.25 લાખ લોકોનાં મોત થયા છે.
એટલું જ નહીં, તેને રોકવા માટે અનેક દેશોએ લાગુ કરેલા લોકડાઉનને લીધે કરોડો લોકો બેરોજગાર બન્યા છે, અને ગરીબીની ગર્તામાં ધકેલાઈ ચૂક્યા છે.
WHOના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 1,06,000 નવા કેસો નોંધાયા છે. જે અત્યારસુધી 24 કલાકમાં નોંધાયેલો સૌથી મોટો આંકડો છે. વિશ્વમાં પહેલા 10 લાખ કેસો નોંધાવવામાં 93 દિવસ જેટલો લાંબો સમય લાગ્યો હતો.
જોકે, 11-20 લાખ કેસો માત્ર 13 જ દિવસમાં નોંધાયા હતા. ત્યારબાદ કેસોની સંખ્યા 21 લાખથી 30 લાખ સુધી પહોંચવામાં 12 દિવસ, 31 લાખથી 40 લાખ પહોંચવામાં 11 દિવસ અને 41 લાખથી 50 લાખ પહોંચવામાં 12 દિવસ લાગ્યા છે.
યુરોપ અને અમેરિકામાં કાળો કહેર વર્તાવ્યા બાદ હવે આ વાયરસ ભારત, બ્રાઝિલ અને રશિયા જેવા દેશોમાં પ્રસરી રહ્યો છે. હાલ આ ત્રણેય દેશો વિશ્વના નવા હોટસ્પોટ્સ બની રહ્યા છે. જોકે, અમેરિકામાં મંગળવારે 20,289 નવા કેસ સાથે અમેરિકા આ મામલે વિશ્વમાં ટોપ પર રહ્યું હતું.
હાલની સ્થિતિએ વિશ્વમાં જેટલા કેસો નોંધાયા છે તેની સંખ્યા ન્યૂઝીલેન્ડની કુલ વસ્તી જેટલી થાય છે. બુધવારે WHO દ્વારા ગરીબ દેશોમાં પણ કોવિડ-19ના નવા કેસો નોંધાતા ચિંતા વ્યક્ત કરાઈ હતી.
ધનવાન દેશો લોકડાઉનમાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે ગરીબ દેશોમાં તેના કેસ વધતા હવે તેમની સ્થિતિ ઓર બગડે તેવી હાલત છે.
પાંચ મહિના પહેલા કોરોના વાયરસથી સૌથી પહેલું મૃત્યુ થયું હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું હતું. ચીનના વુહાન શહેરના લોકલ મીડિયામાં 31 માર્ચે એક ભેદી બીમારીના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા.
જોકે, તે વખતે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ વાયરસ આટલું ભયાનક સ્વરુપ ધારણ કરશે, અને આખી દુનિયાને પોતાના સકંજામાં લઈ લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.