કોર્ટના તિરસ્કારના કેસમા પ્રશાંત ભૂષણ દોષિત, ચુકાદો 20 ઑગષ્ટે

દેશના સિનિયર અને વિદ્વાન ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણને કોર્ટના તિરસ્કારના કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. તેમને થનારી સજાની સુનાવણી 20મી ઑગષ્ટે થશે એમ કોર્ટે કહ્યું હતું. પ્રશાંત ભૂષણે જૂનની 27મીએ ચીફ જસ્ટિસ એસ એ બોબડે અને સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ ટ્વીટ કરી હતી. એ પહેલાં 2009માં પ્રશાંત ભૂષણે એક સભામાં કહ્યું હતું કે પચાસ ટકા ભૂતપૂર્વ જજો ભ્રષ્ટ હતા. એ વારંવાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની પણ ટીકા કરતા હતા. તેમની દલીલ એવી હતી કે લોકશાહીમાં  કોર્ટના ચુકાદાની ટીકા કરવાનો દરેક નાગરિકને અધિકાર હતો. જજ પણ આખરે તો માણસ છે. એમની પણ ભૂલ તો થઇ શકે. કોર્ટે વારંવાર તેમને ચેતવ્યા હતા કે તમે સુપ્રીમ કોર્ટનો તિરસ્કાર થતો હોય એ પ્રકારની ટ્વીટ કરો છો જે યોગ્ય નથી.

પ્રશાંત ભૂષણ વતી સિનિયર એડવોકેટ દુષ્યંત દવેએ એવી દલીલ કરી હતી કે જજ દ્વારા માનવસહજ ભૂલો થાય એ સ્વાભાવિક છે. ન્યાયતંત્રે સહજ અને પ્રામાણિક ટીકા માટે કોઇને સજા ન કરવી જોઇએ. છેલ્લી સુનાવણીમાં પ્રશાંત ભૂષણે પોતાના બચાવમાં કહ્યું હતું કે મેં ભ્રષ્ટ શબ્દ વાપર્યો એ આર્થિક ભ્રષ્ટાચારની વાત નહોતી, પોતાનું કાર્ય દક્ષતાથી કરવામાં નિષ્ફળતાના અર્થમાં કહ્યું હતું.

તેમણે પોતાના વક્તવ્ય અને ટ્વીટ બદલ ખેદ વ્યક્ત કરતાં માફી માગી હતી પરંતુ કોર્ટે એ માફી સ્વીકારી નહોતી. હવે તેમને કોર્ટના તિરસ્કાર માટે દોષિત ઠરાવવામાં આવ્યા હતા.

જો કે આજે તેમને થનારી સજાની જાહેરાત થઇ નહોતી. તેમની સજાની સુનાવણી 20 મી ઑગષ્ટે કરવાની જાહેરાત કોર્ટે કરી હતી.

અત્રે એ યાદ કરવા જેવું છે કે દુનિયાભરના દેશોએ કોર્ટના તિરસ્કારની જોગવાઇ કાયદાપોથીમાંથી નાબૂુદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટના જ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ ભારતની કાયદાપોથીમાંથી પણ આ જોગવાઇ રદ કરવાની હાકલ કરી હતી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.