બદનક્ષીનાં કેસમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી ગુરુવારે સવારની ફ્લાઈટમાં સુરત પહોંચશે. તેઓ કોર્ટમાં તેમની ઉપર ચાલી રહેલા કેસ બાબતે હાજરી આપશે. સુરતનાં પ્રવાસ દરમ્યાન તેઓ કોંગ્રેસનાં કાર્યકર્તાઓને પણ મળશે. જણાવી દઈએ કે રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતમાં રહેશે. બે જુદાજુદા કેસમાં તેઓ અહીં હાજર થશે. પહેલા 10 ઓક્ટોબરે સુરતની કોર્ટમાં હાજરી આપશે. જ્યારે બીજા દિવસે 11મીએ અમદાવાદ કોર્ટમાં હાજર થશે. ગત લોકસભા ઇલેકશનનાં પ્રચારમાં એક રેલીમાં ‘બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ’ એવી ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ખાનગી ફોજદારી ફરિયાદ મામલે ગુરુવારની મુદત છે. રાહુલ ગાંધી સુરત આવવાના હોવાથી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સુરત દોડી આવ્યા હતા. અહીં તેમણે સુરતમાં કાર્યકરો સાથે આખા કાર્યક્રમને લઇને તેમજ રૂટને લઇને બેઠક કરી હતી. ઉપરાંત વ્યવસ્થા બાબતે નિરીક્ષણ કરવા બુધવારે કેટલાંક કોંગ્રેસ અગ્રણીઓએ કોર્ટ સંકુલની મુલાકાત પણ લીધી હતી અને રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ માટેનું પ્લાનિંગ હાથ ધર્યું હતુ. શહેર કોંગ્રેસ અગ્રણી કદીર પીરઝાદાએ કહ્યું કે રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા કોર્ટ આવશે અને ત્યાંથી સર્કિટ હાઉસ જશે, બાદમાં એરપોર્ટથી દિલ્હીની ઉડાન ભરશે. સુરત એરપોર્ટ પર કૉંગ્રેસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યાર બાદ રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપી કાર્યકરોને મળીને પરત રવાના થશે. રાહુલ તરફે એડવોકેટ કિરીટ પાનવાલા હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરાઈ હતી. ચુંટણીમાં એક સભા દરમિયાન ‘બધા મોદી ચોર છે’ તેવા નિવેદન મુદ્દે તેમણે આ ફરિયાદ કરી હતી. આ કેસમાં ગુરૂવારે તારીખ હોવાથી રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા માટે સુરત આવશે. રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહુલ ચોકસી, લલિત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જનમેદનીને પૂછયું હતુ કે બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે ટિપ્પણી બદલ સુરત કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હત્યાકેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. જેની મુદ્દત 11 ઓક્ટોબરે હોવાથી રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થવા આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.