તહેરાનઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કાળો કેર છે. કોરોનાવાયરસની કોઈ દવા શોધાઈ નથી પણ લોકો તેનાથી બચવા જાત જાતના રસ્તા અપનાવે છે. ઈરાનમાં આવો જ રસ્તો અપનાવવા જતાં 600 લોકો મોતને ભેટ્યા છે. ઈરાનમાં અફવાઓથી દોરવાઈને ચારેક હજાર લોકો નીટ આલ્કોહોલ (ઝેરીલો દારૂ) પી ગયા હતા. આ પૈકી 600 લોકોનાં મોત નિપજતાં હાહાકાર મચી ગયો છે. હજુ 3000 લોકો દેશની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ છે. આ પૈકી અનેક લોકોની સ્થિતિ નાજુક છે તેથી મોતનો આંકડો હજી પણ વધી શકે છે. કોરોનાવાયરસથી બચવા માટે વારંવાર હાથ પર સેનિટાઈઝર લગાવવાની સલાહ અપાય છે.
સેનિટાઈઝરમાં આલ્કોહોલ હોય છે તેથી લોકોએ આ વાત માની લીધી હતી.
ઇરાન સરકારના પ્રવક્તા ઘોલમ હુસેન ઇસ્માઇલીએ જણાવ્યું હતું કે, લોકોએ કોરોનાવાયરસની સારવાર થઈ શકે છે એં સમજીને નીટ આલ્કોહોલ પી લેતાં મોટી સંખ્યામાં લોકો બીમાર થઇ ગયાં. ઇસ્માઇલીએ ઉમેર્યું હતું કે, ઝેરી આલ્કોહોલ પીવાથી મોતને ભેટેલો લોતનો આંકડો ઘણો મોટો છે અને ધારણા કરતાં ઘણો વધુ છે. તેમણે કહ્યું હતું કે, આલ્કોહોલ પીવાથી બિમાર સ્વસ્થ નહી થાય પરંતુ તે જીવલેણ સાબિત થઇ શકે છે.
તેમણે કહ્યું હતું કે, આ મામલે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકો પર હત્યાનો કેસ ચલાવવામાં આવશે. ઇરાનમાં કોરોના વાયરસથી 62 હજારથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. ઇરાનમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3800 લોકો મોતને ભેટ્યા છે તેથી લોકોમાં ભારે ડર છે. આ કારણે કોરોનાથી બચવા શું કરવું તે અંગે અફવાઓ ચાલ્યા કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.