સુરતમાં મોજશોખ માટે મોબાઈલ અને ચેઈનની ચોરી કરતા ત્રણ રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોજશોખ માટે ચેઈન અને મોબાઈલ ફોન આંચકી લેનારા ત્રણ ગુનેગારોને ઝડપી લીધા છે જેમાં પોલીસે આરોપીઓ પાસેથી એક મંગળસૂત્ર, આઠ મોબાઈલ અને બે બાઇક કબજે કર્યા છે. આ સાથે પોલીસ તપાસમાં આરોપીઓની પૂછપરછ દરમિયાન 5 ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

બાઈક સવારો પસાર થતા લોકો પાસેથી મોબાઈલ ફોન અને ચેઈન આંચકીને ભાગી જતા હતા જેથી સુરત ક્રાઈમ બ્રાંચના જવાનો ઉધના તીન માર્ગ પાસે ડિંડોલી તરફ જતા નવા રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન બાતમીના આધારે વાડીવાલા દરગાહ પાસે રહેતા 40 વર્ષીય જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી અમીરખાન પઠાણ, 21 વર્ષીય યાકુબ ઉર્ફે યાકુબ લોલીયા ઇનાયતખાન પઠાણ અને સલમાનખાન ઉર્ફે સલમાન લડુ અમજદખાન પઠાણને ઝડપી લીધા હતા જેમાં ભાઠેના, વાડીવાલા દરગાહમાં પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4800ની કિંમતનું તૂટેલું મંગળસૂત્ર, રૂ. 1.10 લાખની કિંમતના 8 ચોરાયેલા મોબાઇલ ફોન અને રૂ. 40 અને 80 હજારની કિંમતની બે બાઇક મળી આવી છે અને પોલીસ તપાસમાં મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલ ચેઈન સ્નેચીંગ, ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલ બે મોબાઈલ સ્નેચીંગ, પાલ પોલીસ મથકમાં નોંધાયેલ ચેઈન સ્નેચીંગ અને ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ સ્નેચીંગનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસે જણાવ્યું કે પકડાયેલ આરોપી જમીલ પઠાણની સલાબતપુરા, ખટોદરા, અઠવા, ઉધના પોલીસ સ્ટેશનમાં હત્યા, હુમલો, દારૂબંધી, જુગારના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અને આરોપી યાકુબ લોલિયાની ઉધના, પુણા, ડિંડોલી, સલાબતપુરા, ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચેઈન અને મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ રાખવામાં આવ્યો હતો. જ્યારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનામાં સલમાન અમજદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.