CSKvsKKR: રોમાંચક બનેલી મેચમાં ચેન્નઈની જીત, કલકત્તાને 6 વિકેટથી આપ્યો પરાજય

દુબઈ ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાય રહેલી IPL 2020ની 49મી મેચમાં ચેન્નઈએ કલકત્તાને 6 વિકેટથી પરાજય આપ્યો છે. આજની મેચ ભારે રોમાંચક બની હતી. ચેન્નાઈને છેલ્લી 2 ઓવરમાં 30 રનની જરૂર હતી ત્યારે રવિન્દ્ર જાડેજાએ 11 બોલમાં અણનમ 31 રન ફટકારી ટીમને જીત અપાવી હતી.

સૌપ્રથમ ચેન્નાઈએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. બેટિંગ કરવા ઉતરેલી કલકત્તાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 172 રન કર્યા. કલકત્તા માટે નીતીશ રાણાએ 61 બોલમાં 10 ફોર અને 4 સિક્સની મદદથી 87 રન કર્યા હતા. તેણે IPLમાં પોતાની 11મી અર્ધી સદી ફટકારતા તેના સિવાય શુભમન ગિલે 26 અને દિનેશ કાર્તિકે અણનમ 21 રનનું યોગદાન આપ્યું.

શુભમન ગિલ અને નીતીશ રાણાએ ઓપનિંગ વિકેટ માટે 53 રનની ભાગીદારી નોંધાવી હતી. ચેન્નાઈ માટે લુંગી ગિડીએ 2 વિકેટ, જ્યારે મિચેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા અને કર્ણ શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.

કલકત્તાના 173 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચૈન્નઈની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 178 રન કર્યા. ચૈન્નઈ માટે ઓપનર ગાયકવાડે 53 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 72 રન કર્યા. તેણે IPLમાં પોતાની બીજી અર્ધી સદી ફટકારી. જ્યારે અંબાતી રાયુડુએ 20 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 38 રન કર્યા હતા. રાયુડુ અને ગાયકવાડે 68 રનની ભાગીદારી નોંધાવી હતી.

એ સિવાય શેન વોટ્સને 19 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 14 રન કર્યા હતા. ચેન્નાઈને છેલ્લી 2 ઓવરમાં 30 રનની જરૂર હતી ત્યારે રવિન્દ્ર જાડેજાએ 11 બોલમાં અણનમ 31 રન ફટકારી ટીમને જીત સુધી પહોંચાડી હતી. કલકત્તા તરફથી મિન્સપેટ ક્યુ અને વરુણ ચક્રવર્તીને 2-2 સફળતા મળી હતી.

આ હાર બાદ કલકત્તા માટે ક્વોલિફાઈ થવાનો માર્ગ મુશ્કેલ થયો છે. પ્લે ઓફની રેસમાંથી પહેલાં જ બહાર થઈ ચુકેલી ચૈન્નઈએ સતત બીજી જીત મેળવી. ચૈન્નઈની 13 મેચોમાં 10 પોઈન્ટ થયાં. 13 મેચોમાં કલકત્તાની આ સાતમી હાર રહી. તે હજુ પણ 12 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે અને બાકીની મેચો જીતીને પણ તેમના 14 પોઈન્ટ થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.