દાદા ભગવાન પંથનાં ગુરૂ અને જમાઈ સામે 5.54 કરોડની છેતરપિંડીની ફરિયાદ, અમેરિકામાં થયા છે સ્થાયી

વડોદરા : શહેરમાં બગલામુખી મંદિરનાં પ્રશાંતનાં પાખંડલીલા ઘણી જ ચર્ચામાં હતી. આ સાથે અન્ય એક ગુરૂની છેતરપિંડી સામે આવી છે. કેલનપુર ખાતે આવેલા દાદા ભગવાન મંદિરનાં સત્સંગી ગુરૂ કનુભાઇ ઉર્ફે કનુદાદા પટેલ અને તેમના જમાઇ અનુયાયીઓનો વિશ્વાસ સંપાદન કરી તેમની સાથે છેતરપિંડી ચર્ચાનો વિષય બની છે. મુંબઇનાં એક વેપારીએ રૂપિયા 5.54 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. છેતરપિંડી કરનાર સસરા અને જમાઇ તેમના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઇ ગયા છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સરોજબહેન સુરજભાઇ શાહ મુંબઇમાં પરિવાર સાથે રહે છે. તેમના પતિ સુરજ છગનલાલ શાહ સનસાઇન સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ નામથી સ્ટીલનો વેપાર કરે છે. તેઓ 1998-99થી દાદા ભગવાનનાં અનુયાયી છે. કનુભાઇ ઉર્ફે કનુદાદા કાંતિલાલ પટેલ (રહે. જી-6, સુધન એપાર્ટમેન્ટ, ઇલોરા પાર્ક, વડોદરા)ને તેઓ પોતાના ગુરૂ માને છે. તેઓ કેલનપુર ખાતે આવેલા દાદા ભગવાન મંદિરમાં સત્સંગી ગુરૂ કનુદાદાનાં પ્રોગ્રામમાં પણ આવતા હતા. આ સાથે કનુદાદા અને તેમના જમાઈ દિલીપ પણ અનેકવાર મુંબઇ જાય ત્યારે સુરજભાઇનાં ઘરે જ રોકાતા હતાં.

જાન્યુઆરી 2012માં કનુદાદએ સુરજભાઇને કહ્યું હતું કે, તેમનો જમાઇ કોર્ટ લિક્વીડેટેડ પ્રોપર્ટી ખરીદ વેચાણનું કામ કરે છે. તેને બે – ત્રણ કરોડની જરૂર છે તે તમને એક વર્ષમાં પાછા આપી દેશે. કનુદાદા પર વિશ્વાસ મુકીને સુરજભાઇએ થોડા થોડા કરીને 5,54,50,000 આપ્યાં હતાં. આ સાથે સુરજભાઇની દીકરી અમેરિકા રહે છે તેની પાસેથી પણ કનુદાદાનાં જમાઇને રૂપિયા અપાવ્યાં હતાં. એક વર્ષ પછી મુંબઇનાં દંપતીએ રૂપિયા પાછા માંગ્યા ત્યારે સસરા જમાઈ બહાના બનાવવા લાગ્યા હતાં. આટલા વર્ષો પછી પણ તેમને પોતાના રૂપિયા પાછા નથી મળ્યાં અને જમાઇ અને સસરા ધમકી આપી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.