Amreli News: કહેવાય છે કે દાદા દાદીને તેમની મૂડી કરતા પણ તેનું વ્યાજ વધારે વ્હાલુ હોય. એટલે કે પોતાના દીકરા કરતા પણ પૌત્ર પ્રત્યે વધારે પ્રેમ હોય છે. જો કે અમરેલીના એક ગામમાં તેનાથી તદ્દન વિપરીત એક ઘટના સામે આવી છે. રાજસ્થળી ગામમાં એક દાદીનું(Amreli News) ક્રુર રુપ જોવા મળ્યુ છે. ગઇકાલે મળી આવેલા મૃત બાળકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાદીએ જ બાળકને બચકા ભરીને મારી નાખ્યો હોવાનો ખુલાસો થયો છે.
14 મહિનાના બાળકની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી
અમરેલીના રાજસ્થળી ગામમાં હુસેનભાઈ સૈયદ તેમના પત્ની કુલસનબેન, પુત્ર રફિકભાઈ ઉપરાંત પુત્રવધૂ અને પૌત્ર, પૌત્રી સહિતનો પરિવાર રહે છે. રહેણાંક મકાનમાં ઘોડિયા નજીક એક બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
આ મામલે મૃતક બાળકના દાદા હુસૈન બચુભાઈ સૈયદે જાણ કરતાં અમરેલી તાલુકા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બાળક અલીરજાકના હાથ, પગ અને મોઢા પર બચકાંના નિશાન જોવા મળ્યા હતા. તેમજ શરીર પર મારના નિશાન પણ જણાઈ આવ્યા હતા. જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
પીએમ રિપોર્ટમાં થયો મોતનો ખુલાસો
શંકાસ્પદ હાલતમાં બાળકના મૃત્યુને કારણે પોલીસે પરિવારની પૂછપરછ કરી હતી. પરિવારની તપાસ કરતા બધાએ કંઈ ખબર નહીં હોવાનું કહ્યું હતું. જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભાવનગર મેડિકલ કોલેજ ખાતે મોકલી આપ્યો હતો. જ્યાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા માસૂમ બાળકને અમાનવીય મારકૂટ કરવા સાથે આખા શરીરે નિર્દયતાપૂર્વક બચકાં ભરવામાં આવ્યાનું ખુલ્યું હતું. ત્યારે અમરેલી તાલુકા પોલીસે એક વર્ષના માસુમ બાળકની હત્યા પાછળ ગૃહકંકાશ કે અન્ય કોઇ કારણો જવાબદાર છે કે કેમ ? તે દિશામા પણ તપાસ શરૂ કરી છે.
દાદી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
આ મામલે પોલીસે જણાવ્યું કે, ગંભીર ઘટનામાં પરિવારજનો જ શંકાના દાયરામાં આવ્યા હતા. જેથી બધાની કડક પૂછપરછ કરાતા દાદી કુલસનબેન હુસેનભાઈ સૈયદે કબૂલી લીધું હતું કે, પોતે જ સવા વર્ષના માસૂમ પૌત્ર અલીરજાકને મારી નાખ્યો છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, રાત્રે ખૂબ ઉંઘ આવતી હતી ત્યારે જ પૌત્ર ઉઠીને ખૂબ રડવા લાગ્યો હતો. તે શાંત નહીં થતાં ઉશ્કેરાઈ જઈને ધબ્બા લાફા મારવા સાથે બચકાં પણ ભરી લીધા હતા. જેથી પૌત્ર બેશુદ્ધ જેવો થઈ ગયો હતો. જે બાદ તે મૃત્યુ પામ્યો હતો. દાદી કુલશનબેન વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.