દાગી નેતાઓને કાયદા ઘડવાનો અધિકાર શા માટે ? : સુપ્રીમ કોર્ટમાં ન્યાય મિત્રે કરેલી દલીલ

-પહેલાં તેમની સામેના કેસ પૂરા થવા દો

ન્યાયમિત્ર (એમીકસ ક્યૂરી)એ સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે જેમની સામે ક્રીમીનલ કેસ ચાલી રહ્યા હોય એવા ‘દાગી’  ધારાસભ્યો કે સાંસદો જનતા માટેના કાયદા શી રીતે ઘડી શકે. પહેલાં તેમની સામેના ક્રીમીનલ કેસ પૂરા કરવા જોઇએ. એ નિર્દોષ પુરવાર થાય તો જ એમને ધારા ઘડવાની  માન્યતા મળવી જોઇએ

સિનિયર ધારાશાસ્ત્રી વિજય હંસારિયા જસ્ટિસ એન વી રમણની કોર્ટ અધ્યક્ષતા ધરાવતી બેંચમાં પોતાની દલીલો રજૂ કરી રહ્યા હતા. તેમણે કહ્યુ્ં કે જે સાંસદો કે ધારાસભ્યો નિર્દોષ પુરવાર થાય એ જ આમ આદમી માટે કાયદા ઘડી શકે. દાગી સભ્યોને આમ આદમી માટે કાયદા ઘડવાનો અધિકાર મળી શકે નહીં.  અત્યારે ઘણા એવા સાંસદો અને ધારાસભ્યો છે જેમની સામે ક્રીમીનલ કેસ ચાલી રહ્યા હોવા છતાં એ લોકો કાયદા ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

તેમણે કહ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આવા નેતાઓ સામે કેસ ચાલી રહ્યા હોય એ કોર્ટના જજને બે વર્ષ સુધી એ હોદ્દા પર રહેવા દેવા જોઇએ અને કેસ સમયસર પૂરો થાય એની તકેદારી લેવાવી જોઇએ. સાથોસાથ રાજ્ય સરકારોએ નોડલ પ્રોસિક્યુશન ઑફિસરની નિયુક્તિ કરવી જોએ. હંસારિયાએ કોર્ટનું ધ્યાન એ હકીકત તરફ ખેંચ્યું હતું કે અત્યારે આવા ઘણા ધારાસભ્યો અને સાંસદો પ્રધાનપદું ભોગવી રહ્યા હતા.

આવા ક્રીમીનલ કેસના નિકાલ માટેની સ્પેશિયલ કોર્ટની સંખ્યા પણ ખૂબ ઓછી હોવાનું હંસારિયાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે ક્રીમીનલ કેસ ધરાવતા ભૂતપૂર્વ અને વર્તમાન ધારાસભ્યો તેમજ સાંસદોની ધરપકડ કરવામાં પોલીસ દ્વારા દાખવાતી બેદરકારીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પોલીસે પોતાની ફરજ નિષ્પક્ષપણે બજાવવી જોઇએ. કોર્ટે કહ્યું હતું કે પોલીસ આવા લોકોના દબાણ હેઠળ આવી જતી હોવાથી ન્યાયપ્રક્રિયાને હાનિ પહોંચે છે. સંબંધિત પોલીસ ઑફિસરના પ્રમોશન સાથે આવા નેતાઓ સંકળાયેલા હોવાથી પોલીસ પગલાં લેતાં અચકાતી હોય છે એમ જસ્ટિસ રમણે કહ્યું હતુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.