દસ હજારથી વધારે લોકો,ભવ્ય દાંડીપથિકોના ભવ્ય સ્વાગત માટે, થયા હતા એકત્ર

સુ ગાંધીજીના નેતૃત્વમાં દાંડીયાત્રા તા.01લી એપ્રિલ,1930ના રોજ છાપરાભાઠાથી અશ્વિનીકુમારનો પૂલ ઓળંગી સુરતની સરહદે પહોંચી, જ્યાં દસ હજારથી વધારે લોકો ભવ્ય દાંડીપથિકોના ભવ્ય સ્વાગત માટે એકત્ર થયા હતા. તાપીના પુલ ઉપર લેવાતો કર માનવ મેદનીમાં અટવાઈ ગયો હતો.

1લી એપ્રિલની સાંજે સંઘ વરાછારોડ ઉપરના શેઠ નાથુભાઈ નારણદાસ અને શેઠ ડાહ્યાભાઈ હરગોવનદાસને બંગલે પહોંચ્યો અને ત્યાં ભોજન અને આરામ કર્યા બાદ સાંજે ડક્કા ઓવારે જંગી જનસભા યોજાઈ હતી. સાબરમતીની સભા પછી આ સભા સૌથી વિશાળ હતી.

સુરતના ખાદીભંડારમાં ખાદીની એક પણ ટોપી બચી ન હતી. ‘લોકો ખાદી માંગશે અને ખાદી ખૂટી પડશે એવો પણ એક દિવસ આવશે’ એવા ગાંધીજીના એક સમયના શબ્દો સુરતમાં શબ્દશ: સાચા પડ્યા.

સભામાં અંધ કવિ હંસરાજે “ટોપીવાળાનાં ટોળાં ઉતર્યા” એ ગીત ફીડલ સાથે ભાવપૂર્વક ગાયું હતું.

ગાંધીજીના સમર્થનમાં સુરતના કુલ 149 પટેલોએ રાજીનામા આપ્યાં હતાં. જેમાં બારડોલી તાલુકાના 70, ઓલપાડ તાલુકાના 46, જલાલપોરના 15, ચોર્યાસી તાલુકાના 2, ચીખલીના 7 અને માંડવીના 7 ગામના પટેલોએ રાજીનામા ધર્યા હતાં.

1930માં આજે ફરીથી આ જિલ્લામાંથી લડતનાં મંડાણ થાય છે એ આપણું અહોભાગ્ય છે. હિંદની ગુલામીનાં મૂળ અંગ્રેજોની કોઠીથી પહેલવહેલાં સૂરતમાં નંખાયા હતાં, એટલે સ્વાતંત્ર્ય સંગ્રામ માટે આ જિલ્લો પસંદ થયો એ સુયોગ્ય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.