કડી દારૂકાંડ ની જેમ આ શહેરમાં આ તોડકાંડ અંગે શું ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરશે ? પગલાં ભરશે?

ગુજરાત હાઇકોર્ટ પાછળથી પોલીસ અધિકારીના બે વહીવટદારોએ બુટલેગરનો લાખો રૂપિયાનો તોડ કર્યો

  • વહીવટદારોએ દારૂ ભરેલી ગાડી ઝડપી બુટલેગર પાસેથી 10 લાખથી વધુનો તોડ કરી જવા દીધો હોવાની ચર્ચા છે
  • બંને વહીવટદારોએ ગાડીમાંથી 40થી 50 પેટી દારૂ પકડ્યો હતો
  • કડી દારૂ કાંડ જેમ આ તોડકાંડ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરશે ? પગલાં ભરશે?
  • રાજ્યમાં હળવા લોકડાઉનની વચ્ચે હવે બુટલેગરો સક્રિય થયા છે અને દારૂની હેરાફેરી શરૂ કરી છે જેની વચ્ચે પોલીસને પણ કમાણી શરૂ થઈ ગઈ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ અધિકારીના બે વહીવટદારોએ પાંચ દિવસ પહેલા એસજી હાઇવે પર હાઇકોર્ટની પાછળથી બુટલેગરની દારૂ ભરેલી ગાડી ઝડપી 10 લાખથી વધુનો તોડ કરી જવા દીધો હોવાની ચર્ચા ચાલી રહી છે. અધિકારીના બંને વહીવટદારોએ કરેલા તોડ અંગેની ચર્ચા હાલમાં પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની છે.
    લોકડાઉનમાં છૂટછાટ બાદ દારૂની હેરાફેરી શરૂ થઈ
    શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. જેનો ફાયદો લઇ શહેરમાં અનેક જગ્યાએ દારૂની હેરાફેરી શરૂ થઈ ગઈ છે. અનેક જગ્યાએ છેલ્લા બે મહિનાથી લોકડાઉનના પગલે દારૂના વેચાણ બંધ થઈ ગયા હતાં તે વહીવટદારો ફરી શરૂ કરાવી દીધાં છે. લોકડાઉનમાં ધંધા બંધ રહેતા પોલીસના વહીવટદારો પાયમાલ થઈ ગયા હતા. પશ્ચિમ વિસ્તારમાં પોલીસ અધિકારીના બે વહીવટદાર જે પશ્ચિમના પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવે છે તેઓએ ચારેક દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટની પાછળના ભાગેથી એક દારૂ ભરેલી ગાડી પકડી હતી. ગાડીમાં આશરે 40થી 50 પેટી જેટલો દારૂ હતો. બંનેએ કેસ કરવાની ધમકી આપી હતી બાદમાં બુટલેગર સાથે સમાધાન કરી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. પોલીસબેડામાં આ તોડની માહિતી ફેલાઈ જતાં ચર્ચાનો વિષય બન્યો છે. રૂ. 10 લાખથી વધુનો બંનેએ તોડ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
    ઉચ્ચ પોલીસ અધિકારી સુધી માહિતી પહોંચતા દારૂ કેનાલમાં ફેંકી દીધો હતો
    રાજ્યમાં કડી દારૂ પ્રકરણ હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. કડી પોલીસ સ્ટેશનના PIએ બુટલેગરનો દારૂ પકડી અને તેને વેચવા સંતાડીને રાખયો હતો. જો કે ઉચ્ચ પોલીસ અધિકારી સુધી માહિતી પહોંચતા દારૂ કેનાલમાં ફેંકી દીધો હતો. આ ઘટનાથી પોલીસની છબી ખુબ જ ખરડાઈ છે ત્યારે અમદાવાદ શહેરમાં આ રીતે એક પોલીસ અધિકારીના બે વહીવટદારો લાખો રૂપિયાનો બુટલેગર પાસેથી તોડ કરી લેતાં અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. શું અમદાવાદ શહેરમાં આવી રીતે પોલીસ અધિકારીએ આવી રીતે કેટલા બુટલેગરો પાસેથી તોડ દારૂની હેરાફેરી કરવા દીધી હશે ?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.