‘કોંગ્રેસમાં અનેક એવા યોગ્ય સદસ્યો છે જે સંસદીય મુદ્દા સમજે છે પરંતુ એક રાજવંશ આવા નેતાઓને કદી આગળ નહીં વધવા દે’
પૂર્વીય લદ્દાખની ગાલવાન ઘાટીમાં 20 જવાનોની શહીદી અને ચીની ઘૂસણખોરીને લઈ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી પહેલેથી જ મોદી સરકાર પર હુમલા કરી રહ્યા છે. રાહુલ ગાંધી એક પછી એક સવાલો કરીને મોદી સરકારને ઘેરી રહ્યા છે. ત્યારે ભાજપે રાહુલ ગાંધીને તેમના જ અસ્ત્ર વડે સવાલોના કઠેડામાં ઉભા રાખી દીધા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી સંરક્ષણ સમિતિના સદસ્ય હોવા છતા સમિતિની કોઈ પણ બેઠકમાં સામેલ નથી થતા. પરંતુ સાથે જ દુખની વાત એ છે કે તેઓ રાષ્ટ્રનું મનોબળ નીચું પાડવાનું સતત ચાલુ રાખે છે.
બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘રાહુલ ગાંધી એક ગૌરવશાળી વંશ પરંપરા સાથે સંકળાયેલા છે જ્યાં સમિતિઓનું કોઈ મહત્વ નથી. કોંગ્રેસમાં અનેક એવા યોગ્ય સદસ્યો છે જે સંસદીય મુદ્દા સમજે છે પરંતુ એક રાજવંશ આવા નેતાઓને કદી આગળ નહીં વધવા દે.’
નડ્ડાએ બીજી એક ટ્વિટમાં લખ્યું હતું કે, રાહુલ ગાંધી સંરક્ષણ સમિતિના સદસ્ય હોવા છતા એક પણ બેઠકમાં સામેલ નથી થતા જે નિરાશાજનક છે. સાથે જ વધુ દુખની વાત એ છે કે તેઓ સતત રાષ્ટ્રનું મનોબળ નીચું પાડી રહ્યા છે, આપણા સશસ્ત્ર દળોની વીરતા સામે સવાલો કરે છે અને એક જવાબદાર વિપક્ષી નેતાએ ન કરવું જોઈએ તે બધું જ કરે છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને સપ્ટેમ્બર 2019માં સંરક્ષણ સમિતિના સદસ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. આ સમિતિમાં રાહુલ ગાંધી સહિત 21 લોકસભા સદસ્ય અને 10 રાજ્યસભા સદસ્યોનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામ આ સંરક્ષણ સમિતિના અધ્યક્ષ છે. છેલ્લા એક વર્ષમાં આશરે એકાદ ડઝન બેઠકો થઈ ચુકી છે પરંતુ રાહુલ ગાંધી એક પણ બેઠકમાં સામેલ નથી થયા.
સંરક્ષણ સમિતિના સદસ્ય અને ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક બાજપેઈએ જણાવ્યું કે, સંરક્ષણ સમિતિમાં વરિષ્ઠ લોકસભા અને રાજ્યસભા સદસ્યો સામેલ છે. રાહુલ ગાંધી પણ આ સમિતિના સદસ્ય છે પરંતુ તેઓ છેલ્લા એક વર્ષ દરમિયાન યોજાયેલી એક પણ બેઠકમાં સામેલ નથી થયા. આના પરથી તેમની રાષ્ટ્રની સુરક્ષા અંગેની ગંભીરતા સમજી શકાય છે.
અશોક બાજપેઈએ જણાવ્યું કે, જે રીતે રાહુલ ગાંધી મીડિયામાં ચીન મુદ્દે સેનાનું મનોબળ ઘટે તેવા નિવેદનો આપી રહ્યા છે તે દેશની છબિને નુકસાન પહોંચાડનારૂં છે. જો તેમને સંરક્ષણ મામલે આટલી ખબર પડે છે તો તેઓ સંરક્ષણ સમિતિની બેઠકમાં સામેલ થઈ પોતાના મંતવ્યો આપે તે વધુ યોગ્ય રહેશે. સંરક્ષણ સમિતિમાં દરેક પ્રકારની ચર્ચાઓ થાય છે અને જો તેઓ તેમાં સામેલ થાય તો તેમને દેશના સંરક્ષણ સંબંધી માહિતી પણ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.