ડિફોલ્ટર્સને બચાવવા માંગતા હતા PM એટલે જ ગઈ ઉર્જિત પટેલની નોકરીઃ રાહુલનો આક્ષેપ

દાવા પ્રમાણે રિઝર્વ બેંકે ડિફોલ્ટર્સ માટે જે સર્ક્યુલર બહાર પાડ્યું હતું તેને સરકારે પાછુ લેવા કહ્યું હતું

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. મંગળવારે તેમણે એક ટ્વિટ કરીને ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના નિવેદનને આધાર બનાવીને રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીએ વિલફુલ ડિફોલ્ટર્સને બચાવવાનું કામ કર્યું તેવો આરોપ મુક્યો હતો.

હકીકતે તાજેતરમાં જ ઉર્જિત પટેલનું એક પુસ્તક સામે આવ્યું છે જેમાં મોદી સરકાર લોન ન ચુકવનારાઓ સાથે નરમાશથી વર્તી રહી હોવાનો અને RBIને પણ તેને હળવાશથી લેવાનો નિર્દેશ આપ્યો હોવાનો ઉલ્લેખ કરેલો છે. રાહુલ ગાંધીએ હવે આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનું ચાલુ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, ઉર્જિત પટેલ બેન્કિંગ સિસ્ટમને સાફ કરવામાં લાગેલા હતા પરંતુ તેના કારણે તેમની નોકરી જતી રહી. તેનું કારણ એ જ કે વડાપ્રધાન મોદી લોન ન ચુકવનારાઓ સામે કોઈ એક્શન નહોતા લેવા માંગતા.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર સાથેના વિવાદ બાદ ઉર્જિત પટેલે 2018ના વર્ષમાં રિઝર્વ બેંકના ગવર્નર પદેથી રાજીનામુ આપી દીધું હતું. તેમના રાજીનામાને લઈ ભારે વિવાદ થયો હતો અને તે સમયે પણ રાહુલ ગાંધીએ રાજીનામા મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. પુસ્તકમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે રિઝર્વ બેંકે ડિફોલ્ટર્સ માટે જે સર્ક્યુલર બહાર પાડ્યું હતું તેને સરકારે પાછુ લેવા કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારના કાર્યકાળમાં જ ઉર્જિત પટેલ, રઘુરામ રાજન વગેરે રિઝર્વ બેંકના ગવર્નર્સની નારાજગી ઉભરાઈને સામે આવી છે પછી ભલે તે નોટબંધી હોય, જીએસટી હોય કે પછી અન્ય આર્થિક નીતિઓ.

અર્થતંત્ર અને નોકરીઓને લઈ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા તેમણે કહ્યું હતું કે જે રીતે કોરોના સંકટ મુદ્દે મારી વાત સાચી પડી રહી છે તે જોતા સરકારે અર્થતંત્ર મામલે મારી ચેતવણીને ધ્યાનમાં લેવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.