દિલ્હીમાં 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનુ ગૌરવ બનશે ‘રાણીની વાવ’

રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી ‘રાણીની વાવ : જલ મંદિર’નો ટેબ્લો પ્રસ્તુત થશે. ગુજરાતના ગૌરવ સમી રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપીને તેનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્યતા-સંસ્કૃતિ અને અદભૂત કળાના સમન્વય સમી રાણીની વાવ જળ સંચયની ગુજરાતની પરંપરાનું બેનમૂન ઉદાહરણ છે. ગુજરાતની આ ભવ્ય વિરાસતને તાદ્શ કરતો ટેબ્લો રાષ્ટ્રીય પરેડમાં સમગ્ર રાષ્ટ્ર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

દેશના જુદા-જુદા ૧૬ રાજ્યોના ટેબ્લો આ રાષ્ટ્રીય પરેડ માટે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ ૬ વિભાગોના ટેબ્લો પણ આ પરેડમાં રજૂ થશે. ગુજરાતના પાટણ જિલ્લામાં ઐતિહાસિક સરસ્વતી નદીના સાનિધ્યમાં ૧૧મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ (પહેલા)ના સ્મરણાર્થે બનાવેલી સાત માળની આ વાવ ખરેખર તો શિલ્પ-સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ મંદિર જેવી ભવ્ય છે. વાવ અને જળાશયો ગુજરાતની જીવાદોરી રહ્યા છે, ત્યારે રાણીની વાવનું વર્ષોથી જલમંદિર તરીકે વિશેષ મહાત્મ્ય રહ્યું છે.

આ ટેબ્લોમાં રાણીની વાવની ભવ્યતાને કલાત્મક રીતે પ્રસ્તુત કરાશે. જળસ્ત્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના અગ્ર ભાગમાં પાણી ભરેલાં માટલાં સાથેની ગ્રામીણ ગુજરાતણનું વિશાળ શિલ્પ મુકવામાં આવ્યું છે. રાણીની વાવમાં શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુનું શિલ્પ મુખ્ય છે. આ શિલ્પ ની પ્રતિકૃતિ પણ ટેબ્લોના અગ્રભાગને શોભાવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.