દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી, ICUમાં ઓક્સિજન સપોર્ટ પર રખાયા

દિલ્હી સરકારની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોરોના સાથે યુદ્ધ લડી રહેલા દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત વધુ ખરાબ થઈ છે. ફેફસામાં ઇન્ફેક્શન વધ્યા બાદ તેમને આઈસીયુમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં, પરંતુ હવે તેમને સાકેતનાં મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે જ્યાં તેમને COVID-19 માટે પ્લાઝ્મા થેરપી આપવામાં આવશે.

આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો કોરોના વાયરસ ટેસ્ટ બુધવારે પોઝિટિવ આવ્યો હતો. તીવ્ર તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનનો અભાવ અને કોરોના જેવા લક્ષણો જોવા મળ્યા બાદ સત્યેન્દ્ર જૈનને સોમવારે રાત્રે પૂર્વ દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવારે તેમની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ તેમનો તાવ મટ્યો નહોતો. 55 વર્ષીય આરોગ્ય પ્રધાનને જરૂર મુજબ ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ટિ્‌વટ કરી હતી કે કોરોના ચેપથી પીડિત દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે.

દિલ્હી સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં સત્યેન્દ્ર જૈનના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે અને ડોકટરોની સલાહથી તેમને આઇસોલેશનમાં મોકલવામાં આવશે.

બે-બે-વાર થયા કોરોના ટેસ્ટ

ઉલ્લેખનીય છે કે, સત્યેન્દ્ર જૈનને થોડા દિવસ પહેલા તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હતી. બાદમાં, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, શરૂઆતમાં ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

ત્યારબાદ, તેમની તબિયત સુધારવા પણ લાગી હતી. જોકે, બે દિવસ પહેલા સત્યેન્દ્ર જૈનનો વધુ એક કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં, તેઓ પોઝિટિવ આવ્યા હતા. હવે તેમને એકવાર ફરીથી શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી.

તમને જણાવી દઈએ કે કોરોના પોઝિટિવ આવતા પહેલા સત્યેન્દ્ર જૈન સતત બેઠકો કરી રહ્યા હતા. દિલ્હીના મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જે બેઠક કરી હતી તેમાં પણ તેઓ હાજર રહ્યા હતા.

જેમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા પણ સાથે હતા. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા અને કાલકાજી વિધાનસભા બેઠકના ધારાસભ્ય આતિશીનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.