દિલ્હીની ભાજપ શાસિત મ્યુનિસિપાલિટીઓમાં રૂ. 2500 કરોડનું કૌભાંડ

દિલ્હીની કેજરીવાલ સરકારનો આક્ષેપ

દિલ્હીમાં વિધાનસભામાં આ કૌભાંડની સીબીઆઇ તપાસ કરાવવાની માગ માટેનો ઠરાવ ધ્વનિમતથી પસાર

દિલ્હીની આમ આદમી સરકારે ભાજપ શાસિત મ્યુનિસિપલ કાર્પોરેશનોમાં ૨૫૦૦ કરોડ રૃપિયાના કૌભાંડ થયા હોવાનો આરોપ મૂક્યો છે. આ કૌભાંડની સીબીઆઇ તપાસ કરાવવા માટે દિલ્હી વિધાનસભાએ ધ્વનિ મતથી એક ઠરાવ પસાર કર્યોે છે.

આજે દિલ્હી વિધાનસભામા આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ આ મુદ્દે ચર્ચા શરૃ કરી હતી અને ત્યારબાદ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ શાસિત કોર્પોરેશનોમાં નિયમિત સમયે કૌભાંડ થઇ રહ્યાં છે. નવા કાઉન્સિલરોએ કૌભાંડમાં પોતાના અગાઉના કાઉન્સિલરોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.

ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે એમસીડી દિલ્હીની દીકરી છે અને તે ભાજપને આપવામાં આવી છે જે સાસુ તરીકે વર્તે છે. ભાજપ સાસુની જેમ વર્તીને દિલ્હીની આપ સરકાર પાસે ૧૩,૦૦૦ કરોડ રૃપિયા માગે છે. ૨૦૧૭ની મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ભાજપને તેના તમામ સિટિંગ કાઉન્સિલરોને બદલવાની ફરજ પડી હતી કારણકે ભ્રષ્ટાચારને કારણે લોકો તેમનાથી નારાજ હતાં.

આ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આચરવામાં આવેલ ૨૫૦૦ કરોડ રૃપિયાનું કૌભાંડ કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ કરતા પણ મોટું છે.

દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રને સંબોધતા કેજરીવાલે જણાવ્યું હતું કે બિલ્ડિંગોને મંજૂરી આપવામાં દર વર્ષે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ૫૦૦૦ થી ૧૦,૦૦૦ કરોડ રૃપિયાનું કૌભાંડ આચરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એમસીડીમાં ભ્રષ્ટાચારની ચર્ચાને પગલે આજનો દિવસ ખૂબ જ દુઃખદાયક છે. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે ૨૫૦૦ કરોડ રૃપિયાની રકમમાંથી સફાઇકર્મીઓ, ડોક્ટરો અને કોર્પોરેશનના અન્ય કર્મચારીઓને પગાર ચૂકવી શકાયો હોત. આ ઉપરાંત ૧૨૫૦૦ હોસ્પિટલ અથવા ૭૫૦૦ મોહલ્લા ક્લિનક બનાવી શકાયા હોત.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.