દિલ્હીમાં ધોળે દિવસે અંધકાર- ભારે વરસાદ શરૂ થયો, ટ્રાફિક જામ તેમજ વધુ વરસાદની આગાહી

 

દેશના પાટનગર નવી દિલ્હીમાં આજે બુધવારે 19મી ઑગષ્ટે સવારથી ભારે વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો અને ધોળે દિવસે અંધકાર છવાયો હતો. કાળાં વાદળોથી આકાશ છવાઇ ગયું હતું.

દિલ્હી અને એનસીઆરમાં અચાનક હવામાને પલટો લીધો હતો અને ઘનઘોર વાદળો છવાઇ જતાં દિવસે અંધકાર છવાયો હતો. માર્ગો પર દોડી રહેલાં વાહનોએ હે઼ડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા માંડ્યાં હતાં અને ઠેકઠેકાણે ટ્રાફિક જામ પણ સર્જાતા થયા હતા.

હવામાન વિભાગે આજથી શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. મંગળવારે પણ દિલ્હીમાં આખો દિવસ વાદળિયું વાતાવરણ હતું પરંતુ વરસાદ પડ્યો નહોતો. આજે સવારથી વરસાદ શરૂ થઇ ગયો હતો.  પાટનગરમાં ભેજનું પ્રમાણ 98 ટકા રહ્યું હતું.

હવામાન વિભાગે કહ્યું હતું કે આમ તો 25 ઑગષ્ટ સુધી દિલ્હીમાં વરસાદ આવતો રહેશે. પરંતુ આજથી ત્રણ દિવસ માટે મૂસળધાર વરસાદ પડવાની શક્યતા હતી.

આ વરસે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદે અને નદીઓમાં આવેલાં પૂરે સતત હાહાકાર વર્તાવ્યો હતો. ઉત્તરાખંડ, બિહાર અને આસામમાં લાખ્ખો લોકોને પૂરની પ્રતિકૂળ અસર થઇ હતી. એકલા બિહારમાં 80 લાખથી વધુ લોકો પૂરગ્રસ્ત થયા હતા અને 18થી વધુ નદીઓ ગાંડીતૂર થઇને હાહાકાર મચાવી રહી હતી.

હવામાન વિભાગે સમગ્ર ઉત્તર ભારતમાં હજુ ભારે વરસાદની આગાહી કરી હતી. કુદરતના જોર સામે સરકારી તંત્ર હંમેશની જેમ વામણું પુરવાર થતું રહ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.