દિલ્હીમાં હોમ ક્વોરેન્ટાઈન પર પ્રતિબંધ, કોરોનાના 10,490 દર્દીઓને ક્યાં રાખશે સરકાર..?

દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને પાંચ દિવસ ફરજિયાત સરકારી ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે તેવો આદેશ જાહેર કર્યો છે. નવા આદેશ પ્રમાણે હવે જો કોઈ પણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને પાંચ દિવસ માટેના ફરજિયાત સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવશે. મતલબ કે જો કોઈ દર્દીમાં કોરોનાના લક્ષણો નહીં જણાય તો પણ તેણે સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં જ રહેવું પડશે.

અગાઉ જ્યારે કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતો પરંતુ તેનામાં કોરોનાના કોઈ લક્ષણો ન નોંધાતા તો તેને હોમ આઈસોલેશનમાં મોકલી દેવામાં આવતી પરંતુ હવે તેવું નહીં બને. દરરોજના આંકડા જોતા દિલ્હીમાં કોરોના સંક્રમણની ગતિ વધી હોવાનું જણાય છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,137 કેસની પૃષ્ટિ થઈ છે. આ સાથે જ દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 53,116ના આંકડાને પાર કરી ગઈ છે. જોકે દિલ્હીમાં કોરોનાના દર્દીઓ સતત સાજા થઈ રહ્યા છે તે એક સારી વાત પણ છે અને અત્યાર સુધીમાં 23,569 દર્દીઓ સ્વસ્થ થયા છે.

દિલ્હીમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 27,512 છે અને 10,490 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. આ સંજોગોમાં ઉપ રાજ્યપાલના આદેશ બાદ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેતા 10,490 લોકોનું શું થશે તે એક સવાલ છે. શું તેમને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે કે પછી આદેશાનુસાર ફરજિયાત સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવાશે? શું દિલ્હી સરકાર પાસે એટલી જગ્યા છેકે તે આ લોકોને સરકારી ક્વોરેન્ટાઈનમાં રાખી શકે?

દિલ્હી સરકારે ઉપ રાજ્યપાલના આ આદેશના અનુસંધાને કહ્યું કે, ‘હોમ આઈસોલેશનના કારણે સામાન્ય લક્ષણો ધરાવતા અનેક લોકો જાતે બહાર આવીને પોતાની તપાસ કરાવી રહ્યા છે કારણ કે તેમને બળજબરીપૂર્વક હોસ્પિટલ કે ક્વોરેન્ટાઈન સેન્ટર નથી લઈ જવાઈ રહ્યા. પરંતુ કેન્દ્ર સરકારે આજે હોમ આઈસોલેશન પર પ્રતિબંધ મુકવાનું કહ્યું છે. તેમના આ આદેશથી લોકો હતોત્સાહિત થશે. કોરોનાના એસિમ્પ્ટોમૈટિક અને હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ તપાસ કરાવવાથી દૂર ભાગશે અને ક્વોરેન્ટાઈન નહીં થાય જેથી પરિણામસ્વરૂપ સંક્રમણ વધુ ફેલાશે.’

તે સિવાય દિલ્હીમાં પહેલેથી જ દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે અને વર્તમાન તૈયારીઓ વચ્ચે જુલાઈ સુધીમાં ગંભીર રીતે સંક્રમિત દર્દીઓ માટે 80,000 બેડની યોજના ઉપરાંત હજારો ક્વોરેન્ટાઈન રૂમ તૈયાર કરવા પડશે. પહેલેથી જ ગંભીર દર્દીઓની સારવાર માટે ડોક્ટર્સ અને નર્સની ભારે તંગી છે ત્યારે આ ક્વોરેન્ટાઈન કેન્દ્રની દેખરેખ માટે મેડિકલ સ્ટાફ ક્યાંથી આવશે તે એક સવાલ છે.

દિલ્હી સરકારનો સંપૂર્ણ મેન-પાવર પહેલેથી કામે લાગેલો છે અને હવે હજારો એસિમ્પ્ટોમૈટિક લોકો માટે મોટા ક્વોરેન્ટાઈન કેન્દ્રો સ્વરૂપે ઘર બનાવવાની જરૂર પડશે. હાલ હજારો દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે ત્યારે આ આદેશ બાદ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં તાત્કાલિક હજારો બેડની જરૂર પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.