દિલ્હીમાં કાતિલ ઠંડીએ 119 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 591 ફ્લાઈટને અસર, વિઝિબિલિટી શૂન્ય

દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે મહત્તમ તાપમાન ૯.૪ ડિગ્રી નોંધાતા ઠંડીએ છેલ્લા ૧૧૯ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ૧૯૦૧ પછી દિલ્હીમાં પહેલીવાર આટલું ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું. દિવસના તાપમાનમાં આટલા મોટા ઘટાડાના પગલે સોમવારની રાત સૌથી વધુ ઠંડી રહેવાનું અનુમાન છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હીમાં સોમવારે બપોરે ૨:૩૦ કલાકે સફદરજંગ ખાતે દિવસનું મહત્તમ તાપમાન ૯.૪, પાલમ ખાતે ૯.૦, આયાનગરખાતે ૭.૮, રિજ ખાતે ૮.૪ અને લોધી રોડ ખાતે ૯.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. દિલ્હીમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન ૨૮ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ ૧૧.૩ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. દિલ્હીમાં સોમવારે લઘુતમ તાપમાન ૨.૬ ડિગ્રી નોંધાયું હતું. પાલમમાં ૨.૯, આયાનગરમાં ૨.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

કાતિલ ઠંડીના સકંજામાં સપડાયેલી રાજધાની દિલ્હીને ગાઢ ધુમ્મસ અને સ્મોગે સોમવાર સવારથી પોતાના આગોશમાં જકડી લીધી હતી. સફદરજંગ અને પાલમ ઓબ્ઝર્વેટરી ખાતે સવારે ૮:૩૦ કલાકે વિઝિબિલિટી શૂન્ય નોંધાઇ હતી. સવારમાં ૫:૩૦ કલાકે વિઝિબિલિટી ફક્ત ૧૦૦ મીટર રહી હતી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સાથે ફેલાયેલા સ્મોગે મુશ્કેલીઓ વધારી હતી. સવારે ૮:૩૮ કલાકે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (છઊૈં) ૪૫૦ નોંધાયો હતો.

ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીમાં વિમાની સેવાઓ અને ટ્રેન સેવાઓ પર ગંભીર અસર પડી હતી. દિલ્હીના આંતરરાષ્ટ્રીય વિમાની મથક ખાતે આવી રહેલી ૨૧ ફ્લાઇટ અન્યત્ર ડાયવર્ટ કરાઇ હતી. બપોર સુધી ૫૩૦ ફ્લાઇટ વિલંબિત થઇ હતી. ૪૦ ફલાઇટ રદ કરાઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.