રાજધાની દિલ્હીમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં મોટી સંખ્યામાં દેખાવકારોએ જામિયાનગરથી ઓખલા તરફ વિરોધ કૂચ કાઢી હતી. દેખાવકારો કાલિંદી કુંજ રોડ પર એકઠા થયા હતા. તેમાં જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન ધરપકડ કરવામાં આવેલા 50 વિદ્યાર્થીઓને પોલીસે છોડી દીધા છે. આપને જણાવી દઇએ કે રવિવારના રોજ વિરોધ-પ્રદર્શન દરમ્યાન આગજની, તોડફોડ બાદ પોલીસે વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લઇ લીધા હતા.
દેખાવકારોએ હાથમાં તિરંગા સાથે નાગરિકતા સુધારા કાયદો પાછો ખેંચવાની માગ કરી હતી. તેમણે મથુરા રોડ પર ચક્કાજામ સર્જ્યો હતો. જેના પગલે પોલીસે ઓખલા અંડર પાસથી સરિતા વિહાર જતી સડક બંધ કરાવી દીધી હતી. દરમિયાન ન્યુ ફ્રેન્ડ્સ કોલોની ખાતે પોલીસે દેખાવકારોને આગળ વધતાં અટકાવતાં હિંસા ફાટી નીકળી હતી. ટોળાએ 3 બસોને આગ ચાંપી દીધી હતી. પોલીસે તોફાનીઓને વિખેરવા લાઠીચાર્જ કરી ટિયરગેસના શેલ છોડયા હતા. ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીનો વિસ્તાર રણભૂમિમાં તબદીલ થઇ ગયો હતો. બસોની આગ બુઝાવવા પહોંચેલા ફાયરબ્રિગેડના 4 વાહનો પર પણ તોફાનીઓએ હુમલો કર્યો હતો. જેના પગલે ફાયરબ્રિગેડના જવાનોને ઈજા પહોંચી હતી.
વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા: એમ.એસ.રંધાવા
દિલ્હી પોલીસના PRO એમ.એસ.રંધાવાએ માહિતી આપતા કહ્યું કે 50માંથી 35 વિદ્યાર્થીનો કાલકાજી પોલીસ સ્ટેશનથી, જ્યારે 15 વિદ્યાર્થીઓને ન્યૂ ફ્રેન્ડસ કોલોની પોલીસ સ્ટેશનથી છોડી દેવામાં આવ્યા છે. આની પહેલાં પ્રદર્શનકારીઓએ જોરદાર તાંડવ મચાવતા 3 બસોને ફૂંકી દીધી, કેટલાંય વાહનોમાં તોડફોડ કરી. હિંસક પ્રદર્શનકારીઓએ આગ બૂઝાવવા આવેલા ફાયરબ્રિગેડની એક ગાડીને બહુ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કરી દીધી. તો બીજીબાજુ જામિયા પ્રશાસનને આરોપ લાગ્યો કે પોલીસે કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થીઓને બર્બરતાપૂર્વક પિટાઇ કરી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.