દિલ્હી પોલીસે ચાર્જશીટમાં શાહીન બાગની મુસ્લિમ મહિલાઓને દાડિયું ચૂકવાતું હોવાનો કર્યો દાવો

નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકતાના રજિસ્ટરના વિરોધમાં આ વર્ષના જાન્યુઆરી ફેબ્રુઆરીમાં શાહીન બાગમાં ધરણા કરી રહેલી મુસ્લિમ મહિલાઓને રોકડામાં દાડિયું અપાતું હતું એવો આક્ષેપ દિલ્હી પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં કર્યો હતો.

પોલીસે એવો દાવો કર્યો હતો કે આરોપીઓ મુસ્લિમ મહિલાઓનો મિડિયા કવર, લિંગ કવર અને સેક્યુલર કવર તરીકે દુરુપયોગ કરી રહ્યા હતા. ચાર્જશીટમાં એવો દાવો કરાયો હતો કે જામિયા મિલ્લિયા સમન્વય સમિતિ અને જેએનયુના વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ નેતા શિફા ઉર રહેમાન અને અન્યોએ તેમના બેંક ખાતામાં અનામી સૂત્રો તરફથી આવેલાં નાણાં આ મહિલાઓને રોજમદાર તરીકે દાડિયું ચૂકવવામાં ખર્ચ્યા હતા. આ લોકોએ ધરણાના સ્થળે માઇક્રોફોન, પોસ્ટર્સ હોર્ડિંગ્સ અને દોરડાની વ્યવસ્થા પણ કરી આપી હતી. જામિયા મિલ્લિયાનો રોજનો ખર્ચ દસેક હજાર રૂપિયાનો હતો.

પોલીસે કડકડનૂમા અદાલતને કહ્યું હતું કે આરોપીઓના વ્હૉટ્સ એપ સંદેશા અને સાક્ષીઓના બયાનના આધારે પોલીસ આ તારણ પર પહોંચી હતી. પોલીસે એવો દાવો પણ કર્યો હતો કે 2019ના ફેબ્રુઆરીમાં થયેલાં તોફાનો અને જામિયા મિલ્લિયા ઇસ્લામિયા નજીક થયેલા દેખાવો તથા હિંસા વચ્ચે તફાવત હતો. ઇશાન દિલ્હીમાં થયેલાં હિંસક તોફાનો પૂર્વાયોજિત અને ચોક્કસ કાવતરાના ભાગ રૂપે થયાં હતાં. દિલ્હી પોલીસે લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી દિલ્હીની હિંસાના કાવતરાની વિગતો મેળવી હતી અને સજ્જ્ડ પુરાવા સાથે 17, 000 પૃષ્ડોની ચાર્જશીટ કોર્ટમાં  રજૂ કરી હતી .

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.