દિલ્હી સરકાર નથી ઇચ્છતી કે સત્ય બહાર આવે? : કોરોના મુદ્દે સુપ્રીમની ફટકાર

કોરોનાના કેસો વધી રહ્યા છે સાથે જ દર્દીઓને સારવારને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોરોના મામલે દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે અને કહ્યું છે કે તમે નથી ઇચ્છતા કે સચ્ચાઇ સામે આવે? એક ડોક્ટરની સામે થયેલી એફઆઇઆર બાદ આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી. સાથે સરકારને સવાલ કર્યો હતો કે ડોક્ટરે વીડિયો ઉતારી હોસ્પિટલની સ્થિતિ અંગે જાણકારી આપી તે બદલ તેની સામે એફઆઇઆર કેમ કરી?

સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેંચે દિલ્હી સરકારને સવાલ કર્યો હતો કે દિલ્હીએ કોરોનાના વધી રહેલા કેસો અને સારવારને લઇને શું પગલા લીધા? મહેરબાની કરીને ડોક્ટરો અને નર્સની સુરક્ષા કરો તેમની સાથે આ પ્રકારનો વ્યવહાર ન કરો. તેઓ કોરોના યોદ્ધા છે, દિલ્હી સરકાર નથી ઇચ્છતી કે સમગ્ર સત્ય બહાર આવે? અનેક વીડિયો સામે આવી ચુક્યા છે.

સુપ્રીમ કોર્ટ દર્દીઓની સારવારને લઇને સુઓ મોટો દ્વારા સમગ્ર મામલાની સુનાવણી કરી રહી છે. ન્યાયાધીશ અશોક ભુષણની આગેવાનીમાં ગઠીત બેંચે કહ્યું હતું કે નર્સ અને ડોક્ટર્સ કોરોના યોદ્ધાઓ છે અને તેમની સુરક્ષા કરવી અતી જરુરી છે. દિલ્હી સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ સંજય જૈન હાજર થયા હતા અને એવી દલીલ કરી હતી કે ડોક્ટરો, દર્દીઓ, નર્સ અને હોસ્પિટલના અન્ય સ્ટાફનું રક્ષણ કરવા માટે અમે કટીબદ્ધ છીએ.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતને દર્દીઓની યોગ્ય સારવાર આપવામાં આવે તેવા આદેશ આપ્યા હતા. આ પહેલા દિલ્હીના એક ડોક્ટરની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, સાથે જ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે સવાલ કર્યો હતો કે આ ડોક્ટરનો અપરાધ શું છે? એક મેસેંજરને કેમ ગોળી મારવામાં આવી રહી છે?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.